મોરબી ઉદ્યોગોને બુસ્ટ આપવા અને ટ્રાફિક સમસ્યા હળવી કરવા અંગે સિરામિક એસો. અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલવેને રજૂઆત

મોરબી: પશ્ચિમ ઝોનના જનરલ મેનેજર વિવેકકુમાર ગુપ્તાએ મોરબી રેલવે સ્ટેશન ખાતે ટ્રેડ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સિરામિક ઉદ્યોગને લગતા રેલવે પરિવહન અને ટ્રાફિકની જટિલ સમસ્યાઓ અંગે જનરલ મેનેજર સમક્ષ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.

મોરબી સિરામિક ઉદ્યોગ માટે રફાલેશ્વર કોનકોર ગતિશક્તિ ટર્મિનલ અને મોરબી રેલવે યાર્ડ ખાતે D P વર્ડ દ્વારા થતું માલ પરિવહન આશીર્વાદરૂપ છે. ત્યારે એસોસિએશને રજૂઆત કરી કે સિરામિક ટાઇલ્સના પરિવહન માટે રેલવેનો ઉપયોગ વ્યાપક બનાવવામાં આવે તો ઉદ્યોગોને મોટું બુસ્ટ મળી શકે છે. આ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંતની રજૂઆત રફાળેશ્વર ફાટક એલ સી નં. 21 અંગે હતી, જેની સાંકળી પહોળાઈના કારણે ભયંકર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ ફાટક કેનાલ રોડને નેશનલ હાઈવે-27 સાથે જોડે છે, અને સિરામિક ક્લસ્ટર તેમજ નવા કાર્યરત થયેલા કોનકોર કન્ટેનર ડેપોમાં આવતા-જતા હેવી વાહનો અને કન્ટેનર આ ફાટક પરથી જ પસાર થાય છે. જ્યારે પણ ડેમુ અથવા માલગાડી પસાર થાય છે, ત્યારે ફાટક બંધ થવાથી ટ્રાફિક થંભી જાય છે, જેને પૂર્વવત્ થતાં 45 થી 60 મિનિટ જેટલો સમય લાગે છે. આનાથી બહુમૂલ્ય માનવ કલાકો અને ઇંધણનો વ્યય થાય છે.

એસોસિએશને હાલના ટ્રાફિકની જરૂરિયાત મુજબ ફાટકની હાલની વન-વે પહોળાઈ વધારીને ફોર-લેન વે મુજબ કરી, તેને ઇન્ટરલોક ફાટક કરવા માટે સર્વે કરાવી કાળજીપૂર્વક પગલાં લેવા રજૂઆત કરી. આ ઉપરાંત, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા સિરામિક ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગોમાં કામ કરતા પ્રવાસી મજૂરો માટે લાંબા અંતરની વધારાની ટ્રેનોની વિશેષ જરૂરિયાત અંગે પણ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.