
શહેરની સૌંદર્યવૃદ્ધિ, સ્વચ્છતા તથા નાગરિકોને સુવ્યવસ્થિત શહેરી પર્યાવરણ ઉપલબ્ધ થાય તે હેતુસર મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય પ્રવેશદ્વારો સમાન ગણાતા ત્રણ મહત્વના બ્રીજોના રંગરોગન તથા સુશોભનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શનાળા બ્રીજ, માળિયા ફાટક નજીક આવેલ બ્રીજ તથા ત્રાજપર ચોકડી ખાતે આવેલ બ્રીજ ઉપર આકર્ષક અને દૃષ્ટિઆનંદદાયક કલર કોમ્બિનેશન સાથે ગુણવત્તાસભર પેન્ટિંગ કાર્ય કરવામાં આવ્યું છે. આ કામગીરીના પરિણામે શહેરમાં પ્રવેશતા નાગરિકો તથા મુલાકાતીઓને સ્વચ્છ, સુશોભિત અને આધુનિક મોરબીનું પ્રતિબિંબ અનુભવાય છે.
આ પહેલ મોરબી મહાનગરપાલિકાના શહેરના સર્વાંગી વિકાસ, શહેરી સૌંદર્યમાં વધારો તથા જાહેર માળખાકીય સુવિધાઓના સંવર્ધન પ્રત્યેના દૃઢ સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. આવનારા સમયમાં પણ શહેરના અન્ય જાહેર સ્થળો તથા સુવિધાઓના બ્યુતીફિકેશન માટે સમાન પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે. શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ શહેરની સ્વચ્છતા અને સૌંદર્ય જાળવવા સહભાગી બને તથા જાહેર સંપત્તિનું સંરક્ષણ કરી નાગરિક ફરજ નિભાવે.





