વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે તપાસ સમિતિની બેઠક યોજાઇ તપાસનો ધમધમાટ શરૂ નિવેદનો લેવાયા

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : વઘાસીયા ટોલનાકાની પાસે જ છેલ્લા દોઢ વર્ષ કરતાં વધારે સમયથી બોગસ ટોલનાકું બનાવી વાહનચાલકો પાસેથી ઓછા પૈસા ઉઘરાવી સરકારી ટોલનાકાને બાયપાસ કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ કરાયાં બાદ જવાબદાર તંત્ર હરકતમાં આવ્યું છે જેમાં આખી ઘટનાની તપાસ જિલ્લા કલેકટર દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને સોંપવામાં આવી હતી. જેના અનુસંધાને પ્રાંત અધિકારી દ્વારા ચાર અધિકારીઓની કમિટી બનાવી તલસ્પર્શી તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જે તપાસ સમિતિની આજરોજ બેઠક વઘાસીયા ટોલનાકા ખાતે યોજાઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા બનાવવામાં આવેલ તપાસ સમિતિમા મામલતદાર, ટીડીઓ, પોલીસ અધિકારી તથા ઓથોરિટીના અધિકારીઓ સાથે બામણબોર ટોલપ્લાઝા એજન્સીના પ્રતિનિધિ, ટીઆરબી કંપનીના પ્રતિનિધિ, વાંકાનેર સીટી પોલીસ સહિતની ઉપસ્થિતિમાં આજરોજ બેઠક યોજી અને બાબતની ઊંડી તપાસ તથા સ્થળ તપાસ કરી જરૂરી નિવેદનો લેવાયા હતા.

આ બાબતે તપાસ કમિટીના સભ્ય અને વાંકાનેર મામલતદાર યુ.વી. કાનાણી દ્વારા જણાવાયું હતું તપાસ સમિતિ દ્વારા તપાસ પુરી થયે તેનો રિપોર્ટ પ્રાંત અધિકારીને રજૂ કરવામાં આવશે.