ગ્રામસેવક વર્ગ-૩ની ભરતીમાં બી.આર.એસ. સ્ટડીઝના વિવિધ અભ્યાસક્રમનો સમાવેશ કરાયો

રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય ગ્રામસેવક વર્ગ-૩ની ભરતીમાં બી.આર.એસ. સ્ટડીઝના વિવિધ અભ્યાસક્રમનો સમાવેશ કરાયો -પંચાયત રાજ્યમંત્રીશ્રી બ્રિજેશ મેરજા

પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે રાજયના યુવાઓને સરકારી સેવાનો વધુને વધુ લાભ મળે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ મહત્ત્વના નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગ્રામસેવક વર્ગ-૩ની ભરતીમાં બેચલર ઑફ રુરલ સ્ટડીઝ અભ્યાસક્રમની વિવિધ શાખાઓનો સમાવેશ કરવાનો મહત્ત્વનો અને યુવાહિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

મંત્રી મેરજાએ ઉમેર્યું કે લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય, સણોસરા દ્વારા પંચાયત સેવાની ગ્રામસેવક વર્ગ-૩ની ભરતી માટેની શૈક્ષણિક લાયકાતમાં બધા જ બી.આર.એસ. સ્નાતક અભ્યાસક્રમોનો સમાવેશ કરવા રાજ્ય સરકારને રજૂઆતો મળી હતી, જેને ધ્યાને લઈને આ મહત્ત્વનો નિર્ણય કરાયો છે.

મંત્રીએ જણાવ્યું કે રાજયના વધુમાં વધુ યુવાનો ગ્રામવિકાસની કામગીરીમાં જોડાય અને પોતાની કારકિર્દી બનાવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદના દાખવી આ યુવાહિતલક્ષી નિર્ણય કરાયો છે. જે અનુસાર બેચલર ઑફ રુરલ સ્ટડીઝ (બી.આર.એસ.)નો પંચાયત સેવા વર્ગ-૩ની ભરતીમાં સમાવેશ કરવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમ તેમણે ઉમેર્યું હતું.