આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા સહિતની યોજનાઓથી ગ્રામજનો થયા લાભાન્વિત અનેરા ઉત્સાહ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ગામમાં આવકારાયો; ઘરે ઘરે ગાય અને ખેતરે ખેતરે પ્રાકૃતિક ખેતી વિષય પર શાળાના બાળકોએ સુંદર નાટક રજૂ કર્યુ
‘૨૦૪૭ નું ભારત એટલે વિકસિત ભારત’ આવા સંકલ્પ સાથે દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર-પ્રચાર કરતા રથ પરિભ્રમણ કરી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબીમાં ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે લોકોને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાનો લાભ અને આ યોજનાઓનો મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના, પૂર્ણા યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત મહાનુભાવોનાં હસ્તે મેઘપર ઝાલા ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અગ્રણી સર્વ વસંતભાઈ માંડવિયા, દિનેશભાઈ વાઘરિયા, સંજયભાઈ ભાગીયા, નથુભાઈ કડીવાર, રસિકભાઈ દેત્રોજા, મહંત રવિરામ બાપુ, આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડી.વી. બાવરવા સહિત સરકારી વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ અને સરપંચ રામદેવસિંહ ઝાલા, તથા ઉપસરપંચ જયદીપસિંહ ઝાલા, તલાટી હરદેવસિંહ જાડેજા, ગ્રામસેવક, મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના આચાર્ય, સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.