નવયુગ બન્યુ રામ મય
નવયુગ શૈક્ષણિક સંકુલ અયોધ્યા સરીખું, રામ મય બનીને જય જય શ્રીરામ ના નારાઓથી ગુંજી ઉઠયું. આજરોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે આગામી તારીખ 22મી જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં યોજાનાર ભવ્ય રામ મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, ભગવાન શ્રીરામની યશોકિર્તીગાથા અને રામ મંદિરના નિર્માણ વિશે વિગતવાર માહિતી આપવા માટે અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો.
જેમાં નવયુગના પ્રાંગણમાં પ્રવેશતા કષ્ટભંજનદેવના ચરણોમાં શિશ નમાવીને ત્યારબાદ બાળ સ્વરૂપ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની આગેવાનીમાં અક્ષત કળશને શિશ પર ધારણ કરીને નવયુગ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાએ મંચસ્થ રામ ભગવાનના ચરણોમાં કળશને સ્થાપિત કર્યો હતો. કળશયાત્રાનું સ્વાગત એન.સી.સીના કેડેટ્સ અને પુષ્પોના વરસાદ અને નવયુગની બાળાઓએ સામૈયા સાથે કર્યુ હતું.
આ પ્રોગ્રામમાં બાળકોએ શ્રીરામના ચરણોને સ્વાગતગીત, શૌર્યગીત અને શબ્દોથી પખાળ્યા હતા. આ સાથે ઉપસ્થિત મહેમાનોએ અયોધ્યામાં રામ મંદિરના પુરાતન ઇતિહાસથી લઈને નવનિર્મિત રામ મંદિરની પુનઃપ્રાણપ્રતિષ્ઠાની વિગતવાર માહિતી તમામ વિદ્યાર્થીઓને આપી હતી. તે દિવસે દરેક ઘરમાં દિવાળી જેવો માહોલ સર્જાય, બધા ઘરોમાં દિપ જલાવીને આ ક્ષણને વધાવીએ અને પ્રાણપ્રતિષ્ઠાના અભિજિત મુહૂર્ત સમયે આપણા ઘરની નજીકના મંદિરે મહાઆરતીમાં જોડાવાનું આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મહેમાન કાર્યકરો મહેન્દ્રભાઈ સવસાણી, ભાવિકભાઈ ભટ્ટ, રાજુભાઈ બદ્રકીયા, મિલનભાઈ પૈડા, જયદીપભાઈ દેત્રોજા, રૂપેશભાઈ રાણપરા અને દિનેશભાઈ સાણજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન અને મેને. ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવડીયાની દેખરેખમાં તમામ વિભાગના પ્રિન્સિપાલ, સ્ટાફગણ અને એન.એસ.એસ ની ટીમ દ્રારા જહેમત ઉઠાવીને પ્રોગ્રામને ચારચાંદ લગાવી દીધા હતા.