વાંકાનેર તાલુકાની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં પતંગોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં શાળાદ્વારા પતંગ બનાવવાની સ્પર્ધા રખાઈ હતી.આ સ્પર્ધા અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ શ્રીરામ ના નામની જમ્બો કાઇટ બનાવીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા.આ જમ્બો કાઇટ જોવા માટે ગ્રામજનો તથા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
શાળાના શિક્ષક હિરેન ઠાકરે આ પતંગની મુખ્ય વિશેષતા વિશે જણાવતા કહ્યું હતું કે આ પતંગ ” વેસ્ટ માંથી બેસ્ટ ” પતંગ છે.કારણકે, વિદ્યાર્થીઓએ કોઈ ખર્ચ કર્યા વગર પતંગ સ્થાનિક કક્ષાએથી તથા શાળામાંથી ઉપલબ્ધ થયેલ વસ્તુઓ એકત્ર કરી તેઓએ જાત મહેનત કરીને આ પતંગ બનાવી છે.પતંગની સાઈઝ એટલી મોટી હતી કે પતંગ બળદગાડાની મદદ લઈ શાળાએ પહોંચાડી હતી. આ બનાવે સૌ કોઈને આકર્ષિત કર્યા હતા.વિદ્યાર્થીઓએ અંદાજિત 11 ફૂટ ઊંચી અને 9 ફૂટ પહોળી પતંગ બનાવી હતી.
શાળાના વિદ્યાર્થીઓએ આ જમ્બો કાઈટ અયોધ્યામાં નવનિર્માણ પામેલ શ્રીરામ ભગવાનના મંદિરને અર્પણ કરી છે. આ નવીનતમ વિચારને શ્રી નવા કોઠારીયા શાળા આચાર્ય અનિમેષ દુબરીયા તથા શાળા પરિવાર બિરદાવે છે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા શિક્ષક હિરેન ઠાકર અને ધર્મેશ પટેલ એ ખુબ જહેમત ઉઠાવી હતી.આ પતંગોત્સવ કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પતંગ-દોરા,ચીકી અને મમરાના લાડુનું વિતરણ કરી બાળકોના આનંદમાં વધારો કર્યો હતો.