ઉદ્યોગોની મશીનરી વિદેશથી આયાત કરવાના બદલે સ્થાનિક કક્ષાએ બનાવવા પર ભાર અપાયો
ઉદ્યોગ જગતની આંતરાષ્ટ્રીય ઇવેન્ટ વાયબ્રન્ટ ગુજરાત સમિટનું હાલ જ સમાપન થયું છે. ત્યારે સિરામીક ઉદ્યોગના હબ એવા મીરબી ખાતે પણ મહત્વની બેઠક યોજાઈ હતી. ભારત સરકારના MSME સેક્રેટરી એસ.સી.એન દાસે વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ પતાવ્યા બાદ InDesign ફેક્ટરી ખાતે સિરામીક નગરી મોરબીના ઉદ્યોગકારોના પ્રાણ પ્રશ્નો હલ કરવા મોરબીના અગ્રણી ઉદ્યોગકારો તથા ચારેય એસોસિયેશનના પ્રમુખ સાથે બેઠક કરી તેમની વિવિધ રજૂઆતો સાંભળી હતી.
આ બેઠક અન્વયે મોરબીના મુખ્ય પ્રશ્નો જેવા કે, MSME ACT હેઠળ 45 દિવસની મુદતમાં મધ્યમ ઉધોગનો સમાવેશ કરવો, OPEN ક્રેડિટથી કોઈ પણ દેશમાં માલ સપ્લાય કરવા પર રોક લગાવવી, એડવાન્સ લેબોરેટરીને મોરબીમાં ટ્રાન્સફર કરવી જેવા પ્રશ્નો એસોસિએશનના પ્રમુખઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.
મોરબીને વિશ્વમાં સૌથી મોટું સીરામીક ક્લસ્ટર બનવું છે પરંતુ સીરામીક ઉદ્યોગોની 80% મશીનરી હજી આયાત કરવી પડે છે તો કેવી રીતે ચાઈનાને ટક્કર આપી શકે? આવા સંજોગોમાં વિદેશી કંપની સાથે ટેકનોલોજી ટ્રાન્સફર કરી, લોકલ ઉદ્યોગકારો સાથે વિદેશી કંપનીઓએ પાર્ટનરશીપ કરી મોરબીમાં જ આ મશીનરી બનાવામાં આવે તો નવી રોજગારી મળે, ઉપરાંત દેશનો રૂપિયો ચાઈના જતો અટકે સહિતના મુદ્દાની રજુઆત કરવામાં આવી હતી.
જેની સેક્રેટરી એસ.સી.એન દાસે નોંધ લઈ આ પાયાનો મુદ્દો હોઈ ખાસ ધ્યાન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ બેઠક દરમિયાન MSME ઓફિસના પી.એન.સોલંકી, સ્વાતિ અગ્રવાલ મેડમ, Indesign કંપનીના MD સુનિલભાઈ મિત્તલ, મુકેશ કુંડરિયા, હરેશભાઇ બોપાલિયા, વિનોદભાઈ ભાડજા, મુકેશભાઈ ઉઘરેજા તેમજ અન્ય અગ્રણી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.