મોરબી જિલ્લાના અલગ-અલગ સ્થળે ૨૯ ફેબ્રુઆરી સુધી ફરશે મતદાન જાગૃતિ રથ
મોરબી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી અન્વયે લોકોમાં જાગૃતિ આવે લોકોને ઈવીએમ અને વીવીપેટ તથા મતદાન પ્રક્રિયા અંગે માહિતી મળે તે હેતુથી ઈવીએમના લાઈવ ડૅમોસ્ટ્રેશન અને ઑડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ વાનને જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી.પંડ્યા તથા નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ લોકો ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા લોકોમાં જાગૃતિ વધે તેવા હેતુથી મોરબી જિલ્લામાં ઈવીએમના લાઈવ ડૅમોસ્ટ્રેશન અને ઑડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ વાન ફાળવવામાં આવી છે. આ વાન લોકોની ભીડભાડ વાળા સ્થળો જેવા કે, શાક માર્કેટ, મોટા ચોક, શોપિંગ મોલ, બસ સ્ટેશન, સિરામિક યુનિટ, શહેર અને ગામડાઓમાં ફરીને લોકોને માહિતગાર કરશે.
મોરબી જિલ્લામાં આ વાન ૨૯/૦૨/૨૦૨૪ સુધીમાં કુલ ૧૧૮ સ્થળોએ ફરશે. આ વાનની વધુને વધુ મુલાકાત લેવા મોરબી જિલ્લાના નાગરીકોને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અવસરે નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.