સરકારની ફેલોશીપ યોજના હેઠળ નવા ફેલો તરીકે આવેલા હિતેશ્રી દવેનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું
જિલ્લા માહિતી કચેરી મોરબી ખાતે સરકારની ફેલોશીપ યોજના હેઠળ છેલ્લા એક વર્ષથી ફેલો તરીકે કાર્યરત માનસીબેન નળિયાપરાની ફેલોશીપ પૂર્ણ થતા જિલ્લા માહિતી પરિવાર દ્વારા ભાવભીનું વિદાયમાં આપવામાં આવ્યું હતું. જ્યારે ફેલોશીપ યોજના હેઠળ નવા ફેલો તરીકે આવેલા હિતેશ્રી દવેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા ગુજરાતમાં આવેલી તમામ યુનિવર્સિટીઓમાં માસ્ટર્સ ઇન જર્નાલિઝમ તથા બેચલર ઇન જર્નાલિઝમમાં અભ્યાસ પૂર્ણ કરી રેન્ક મેળવેલા ઉમેદવારોની યાદી મંગાવવામાં આવે છે. આ યાદી માંથી ટોપ ૨૦ ઉમેદવારોને વિવિધ જિલ્લા માહિતી કચેરીઓ ખાતે ફેલોશીપ યોજના હેઠળ માહિતી વિભાગની કામગીરી શીખવા માટે કાર્યરત કરવામાં આવે છે. જે અન્વયે માસ્ટર ઇન જર્નાલિઝમ પૂર્ણ કરેલા ઉમેદવારને ૨૦ હજાર તેમજ બેચલર ઇન જર્નાલિઝમ પૂર્ણ કરેલા ઉમેદવારોને ૧૫ હજાર સ્ટાઈપેંડ તરીકે ચૂકવવામાં આવે છે.
આ પ્રસંગે માનસીબેન નળિયાપરાએ વર્ષ દરમિયાન તેમના અનુભવો તેમજ તેમણે શીખેલી કામગીરી વિશે વાત કરી હતી. ઉપસ્થિત સૌએ તેમની સાથેના વર્ષ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા તેમજ તેમને ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. હિતેશ્રી દવેને પણ સૌએ આવકાર આપી ફેલોશીપ યોજના હેઠળ પસંદ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, ફિલ્મ ઓપરેટર ભરતભાઈ ફુલતરીયા, સિનિયર ક્લાર્ક એ.પી. ગઢવી, જુનિયર ક્લાર્ક જય રાજપરા, ફોટોગ્રાફર પ્રવીણ સનાળિયા તેમજ અન્ય સ્ટાફમાં કિશોરપરી બી. ગોસ્વામી, જયેશ વ્યાસ, અજય મુછડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.