દિવ્યાંગ લગ્ન સહાય મળવાથી અમારી આર્થિક-સામાજિક પરિસ્થિતિ સુધરી: લાભાર્થી સરફુનિશાબેન
વાંકાનેરનાં દિવ્યાંગ સરફુનિશાબેનને ખેત મજૂરી કામમાંથી મળી મુક્તિ, સરકારની મદદથી ઈમિટેશનનો વ્યવસાય શરૂ કરી સારી રીતે કરી રહ્યા છે જીવન નિર્વાહ
સરકારએ સમાજના દરેક વર્ગના લોકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે અને તેમાં સમયાંતરે વધુ ઉદારતા બતાવી વધુ લોકોને આવરી લીધા છે. દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે અને તેમને વિકાસની મુખ્યધારામાં લાવવા અનેક દિવ્યાંગ સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક દિવ્યાંગ લગ્ન સહાય યોજના થકી મોરબી જિલ્લાના દિવ્યાંગ દંપતીને લાભાન્વિત કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોઠી ગામના સરફુનીશાબેન તોફિકભાઈ માથકીયાએ જણાવ્યું હતું કે, અમે બંને પતિ-પત્ની દિવ્યાંગ છીએ. સમાજ સુરક્ષા કચેરી મોરબી દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય મંજૂર કરવામાં આવી હતી. દંપતી દિવ્યાંગ હોવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. જેના કારણે અમારા દાંપત્ય જીવનમાં ઘણી વખત નિરાશાઓનો અનુભવ કરતાં હતા. દિવ્યાંગ લગ્ન સહાય મળ્યા બાદ અમારી આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ રૂ.૧,૦૦,૦૦૦ ની રકમ મળી હતી. આ રકમમાંથી અમે ઇમિટેશનનો ધંધો શરૂ કરેલ છે અને આમાંથી અમારા પરિવારનું ગુજરાન ચાલાવીએ છીએ. આ રીતે આર્થિક રીતે પગભર થવા દિવ્યાંગ લગ્ન સહાય અમોને મદદરૂપ થયેલ છે. આ માટે અમે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ.
સરફુનીશાબેનએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા પાસે રોજગારી માટે કોઈ સાધન ન હતું અને અમે બંને પતિ-પત્ની ખેત મજૂરી કરતાં હતા ત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. અનેકવાર હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. સરકારશ્રી દ્વારા મળેલ દિવ્યાંગ લગ્ન સહાય અમારા માટે જીવાદોરી સમાન છે. આ સહાય અમને રોજગારી પૂરી પાડી રહી છે. આ સહાયથી ચાલુ કરેલ ઇમિટેશનના વ્યવસાયમાંથી દર મહિને સારી એવી કમાણી કરી ગુજરાન ચલાવી રહ્યા છીએ.
નોંધનીય છે કે દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ લગ્ન કરે તો રૂ. ૫૦,૦૦૦+રૂ. ૫૦,૦૦૦ લેખે રૂ. ૧,૦૦,૦૦૦ ની તેમજ દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો રૂ. ૫૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે.