બાકી કામો તથા નવા કામો ગુણવત્તાયુકત તથા સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ
જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષશ્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૪-૨૦૨૫ જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે તા.૧૫-૦૩-૨૦૨૪ યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખએ બાકી કામો તથા નવા આયોજનના કામોને સમયમર્યાદામાં ગુણવત્તાયુકત તેમજ સ્થાનિક પદાધિકારી તથા ધારાસભ્યો સાથે સંકલન સાધીને પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં ૨૦૨૧-૨૨ વર્ષ થી વર્ષ ૨૦૨૨-૨૪ સુધીના મંજૂર થયેલા, શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ તમામ જોગવાઈના કુલ રૂ।. ૭૫૬.૯૦ લાખના કુલ ૨૫૯ વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
બેઠકમાં ગુજરાત રાજ્ય સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર તરફથી ફાળવવામાં આવતી વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં ન્યૂનતમ જરૂરિયાતના કામો જેવા કે, પાણીના કામો, ગટરના કામો, રોડના કામો જેમાં સીસી રોડ, પેપર બ્લોક તેમજ કડીરૂપ કોઝવેના કામો અને નગરપાલિકાઓના ગટર સફાઈના સાધનો, સંરક્ષણ દિવાલ વગેરે જેવા કામો મંજૂર કરવામાં આવ્યા.વધુમાં ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરાના સૂચવ્યા મુજબ હળવદ સિવિલ હોસ્પિટલમાં જનરેટર, સોનોગ્રાફી મશીન જેવા આરોગ્ય લક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા.
જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિએ સબંધિત અમલીકરણ અધિકારીઓ પાસેથી આ કામો અંગે વર્તમાન સ્થિતિ જાણી કામો ત્વરીત પૂર્ણ કરવા સૂચના આપી હતી તેમજ જરૂર પડે એ અંગેની રજૂઆત અત્રેની કચેરીએ કરવા જણાવ્યું હતું..
આ વિકાસ કામો અંગે આયોજન અધિકારી બી.વી. માંડલિયા વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. જે પૈકી ૧૫ ટકા વિવેકાધીન તેમજ ૫ ટકા પ્રોત્સાહક હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫માં મળનાર ગ્રાન્ટ માટે જિલ્લાની તમામ તાલુકા આયોજન સમિતિઓ દ્વારા કુલ- રૂ.૬૪૯.૯૦ લાખની રકમના કામોની દરખાસ્તો રજૂ થયેલ હતી. જિલ્લા આયોજન મંડળ મોરબીની બેઠકમાં કુલ-૨૫૯ કામો રૂ।.૭૫૬.૯૦ લાખના મંજૂર કરવામાં આવ્યા હતા. આયોજન બેઠકમાં જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન બેઠકમાં ઉપસ્થિત તમામ મહાનુભવના હસ્તે કરાયું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા કલેકટર કે.બી ઝવેરી, નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ પ્રજાપતિ, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર સહિત સબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.