(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) હાલ સાધકો દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન ગાયત્રી મહામંત્રના સામૂહિક અનુષ્ઠાન ચાલી રહ્યા છે. જેના માટે મંદિર દ્વારા ફરાળ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તા. ૧૮ નાં રોજ ગાયત્રી શક્તિપીઠનાં ૩૨ વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવ ઉજવાશે
વાંકાનેર : વાંકાનેર મહાકાળી ટેકરી પર બિરાજમાન ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે આગામી તારીખ 18 એપ્રિલના રોજ 32મા પાટોત્સવ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
પાટોત્સવ પ્રસંગે તારીખ 16 થી 20 એપ્રિલ સુધી દરરોજ રાત્રે 9 થી 12 સુધી સુધી શ્રી મદ ભાગવત પંચામૃત કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. કથાના વક્તા “મા બાપને ભૂલશો નહી” તથા “દીકરી વ્હાલનો દરિયો” ફેમ અશ્વિનભાઈ જોષી રસપાન કરાવશે. આ બાબતે માહિતી આપતા ગાયત્રી શક્તિપીઠ નાં મહંત અશ્વિનભાઈ રાવલ દ્વારા જણાવાયું હતુ કે શ્રી મદ ભાગવત પંચામૃત કથાનું રસપાન કરવાથી પ્રજાજનોના મનમાં ધાર્મિક લાગણીઓ અને સદગુણોનું સિંચન થશે. વધુમાં રાવલે માહિતી આપતા જણાવ્યું હતું કે ગાયત્રી શક્તિપીઠ દ્વારા ગાયત્રી ભોજનાલય (ટિફીન સેવા), બાલ મંદિર, પ્રાથમિક શાળા તથા દિવ્યાંગ બાળકોની શાળા અને ગૌશાળાના , આદર્શ લગ્નપ્રથા સહિત અનેક પ્રકારના સેવાકાર્યો કાર્યરત છે. શ્રીમદ ભાગવત સપ્તાહનું પણ આયોજન ગૌશાળાના લાભાર્થે કરવામાં આવ્યું છે . કથામાં સહભાગી તથા યજમાન થવા માટે મહંત અશ્વિનભાઈ તથા રાહુલભાઈનો સંપર્ક કરવા જણાવાયું છે.
જ્યારે 18 એપ્રિલના રોજ દિવસભર ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સવારથી બપોર સુધી દેવતાઓના પૂજન તેમજ 3-30 થી 6-30 સુધી નવકુંડી યજ્ઞ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 7 કલાકે મહાઆરતી તથા બાદમાં 7.30 વાગ્યાથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પાટોત્સવ મહોત્સવમાં પધારવા સૌને ગાયત્રી પરિવાર-વાંકાનેર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.