‘મોરબી દોડશે મોરબી અવશ્ય વોટ કરશે; ચાલો મૂકીએ દોટ, કરીએ અને કરાવીએ ૧૦૦ ટકા વોટ
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા તેમજ સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી જિલ્લાને મતદાનમાં અવ્વલ લાવવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આવતીકાલે તારીખ ૦૫/૦૫/૨૦૨૪ ના રોજ સવારે ૦૭:૦૦ કલાકે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, મારું મોરબી મતદાનમાં અગ્રેસર મોરબી તે માટે ચાલી રહેલી સ્લીપની કામગીરીના ભાગરૂપે આવતીકાલે તારીખ ૫ મેના રોજ ‘I Am Proud To Be Voter’; રન ફોર વોટ, મોરબી મત આપવા માટે દોડશે એવું આયોજન કરવામાં આવ્યું છે.
હું મોરબી જિલ્લા વાસીઓને વિનંતી કરું છું કે, આવતીકાલે સવારે ૦૭:૦૦ વાગે ઉમિયા સર્કલ થી રન ફોર વોટ એવી એક દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડ ઉમિયા સર્કલ થી શરૂ થઈ રવાપર ચોકડીએ પૂર્ણ થશે. ૧૫૦૦ મીટરની આ રન પર વોટ માટે મોરબી જિલ્લાવાસીઓ નગરજનો સૌ ૦૬:૪૫ થી ૦૭:૦૦ વાગ્યા સુધીમાં આવી જવા પણ હું તમને વિનંતી કરું છું. મોરબી ૭ મી તારીખે વોટ આપવા માટે તૈયાર છે તેની પ્રતીતિ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશને કરાવશો તેવી હું અપેક્ષા રાખું છું. આ આયોજનમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ પણ સહભાગી થશે.
મોરબીને મતદાનમાં અગ્રેસર લાવવાના ભાગરૂપે રન ફોર વોટ કાર્યક્રમમાં મોરબી વાસીઓને ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવા પણ કલેક્ટરએ અપીલ કરી છે.