મતદાન મથક અત્યંત નજીક હોવા છતાં પણ લોકો મતદાન માટે ગયાં નથી પણ અહીંયા તો એક યુવાન અમેરિકા થી મોરબી મતદાન માટે આવ્યો.
મૂળ મોરબીના અને હાલ અમેરિકામાં રહેતા પ્રશાંતભાઈએ પ્રેરણારૂપ દાખલો પૂરો પાડ્યો છે. તેઓ નોકરીમાં રજા મૂકીને લોકશાહીનું પર્વ ઉજવવા ખાસ પોતાના વતન મોરબી આવીને મતદાન કર્યું હતું. પ્રશાંતભાઈ ચંદારાણા છેલ્લા ૨૨ વર્ષથી અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં આવેલ હ્યુસ્ટન ખાતે રહે છે. તેઓ હાલ પેટ્રોલિયમ એનેલાઈઝર કંપનીમાં જોબ કરે છે. વ્યસ્તતા ભરી નોકરી વચ્ચે પણ તેઓ ખાસ એક અઠવાડિયાની રજા મૂકી મતદાન કરવા માટે પોતાના વતન મોરબી આવ્યા છે.
આજે વીસી હાઇસ્કુલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાનો મત આપ્યો હતો. પ્રશાંતભાઈ ચંદારાણાએ જણાવ્યુ છે કે, આપણને નાનપણથી એવું શીખવવામાં આવ્યું છે કે મતદાનએ આપણો અધિકાર છે. પણ મતદાન આપણો અધિકાર નહિ ફરજ છે. આપણો દેશ લોકશાહીમાં જીવી રહ્યો છે જે ખૂબ મોટી વાત છે. લોકશાહીમાં એક વોટની કિંમત અમૂલ્ય છે. તો ચૂંટણીમાં વોટ આપવાનું ક્યારેય ચૂકવું ન જોઈએ.