ચૂંટણી તંત્ર દ્વારા સારી વ્યવસ્થા કરવા બદલ તંત્રનો આભાર માનતા દિવ્યાંગ અને વરિષ્ઠ મતદાર વસીરભાઈ ભટ્ટી
સમગ્ર ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મોરબી જિલ્લામાં પણ યુવાનો, મહિલાઓ વરિષ્ઠ નાગરિકો લોકશાહીમાં પોતાના મતનું મૂલ્ય સમજી મતદાન કરી રહ્યા છે અને અન્યને મતદાન કરવા પણ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને અગવડતા ન પડે તે માટે વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. દિવ્યાંગ મતદારો તેમજ વરિષ્ઠ મતદારો મતદાનની ફરજ નિભાવી શકે તે માટે જિલ્લાના વિવિધ વિભાગો મતદારો માટે ખડે પગે પોતાની કામગીરી કરી રહ્યા છે
મતદાર વસીરભાઈ કાસમભાઈ ભટ્ટીએ મતદાન કરવા માટે સમાજ સુરક્ષા વિભાગનો સંપર્ક કર્યો હતો અને થોડા સમયમાં જ સમાજ સુરક્ષાની ટીમ દ્વારા વ્હીલ ચેરની વ્યવસ્થા કરી મોરબીની ગિબ્સન શાળાના મતદાન મથકે પહોંચાડી મતદાન કરાવવામાં આવ્યું હતું.
દિવ્યાંગ અને વરિષ્ઠ મતદાર વસીરભાઈ ભટ્ટીએ મતદાન મથક પર કરવામાં આવેલી વ્યવસ્થા નિહાળી ચૂંટણી તંત્રનો આભાર માન્યો હતો.