રાજ્યમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન

હળવદ તાલુકાનાં ઇસનપુરનાં ખેડૂતે અપનાવી પ્રાકૃતિક ખેતી ને જીવન બદલી ગયું, હળદર સહિતના પાકોનું મુલ્યવર્ધન કરી સીધું ગ્રાહકોને કરે છે વેચાણ, પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચમાં થયો ઘટાડો અને આવકમાં થયો વધારો

પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોને અપનાવીને ખેડૂતો ફરીથી પોતાની જમીનને ફળદ્રુપ બનાવી શકે છે એટલું જ નહીં ઉત્તમ ગુણવત્તાવાળો પાક પણ મેળવી શકે છે. ત્યારે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર-પ્રસાર કરીને ખેડૂતોમાં જાગૃતતા લાવવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યનો કૃષિ વિભાગ અથાગ મહેનત કરી રહ્યો છે. મોરબી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ મેળવી હળવદ તાલુકાના ઇસનપુર ગામના ખેડૂતે ગાય આધારિત કૃષિ અપનાવી પાક ઉત્પાદનમાં અદભુત પરિણામ મેળવ્યા છે. તો આવો જાણીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના વિશેષ અનુભવો ગણેશભાઈના શબ્દોમાં.

૪૦ વર્ષીય ગણેશભાઈ કણઝરિયાએ કૃષિમાં પોતાને થયેલ અનુભવ વિશે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના મુખ્યો પાકોમા કપાસ, તલ, કઠોળ, જીરૂ તથા ઘઉં વગેરે પાકોનુ વાવેતર કરતા હતા. અમે ઘણા સમયથી રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગથી ખેતી કરતા હતા. રાસાયણિક  ખાતર તેમજ જંતુનાશક દવાના વધારે પડતા ઉપયોગથી અમારી જમીન એકદમ બિન ઉપજાવ બની ગઈ હતી. જેના લીધે પાક ઉત્પાદન ઘટવા લાગ્યુ અને ખર્ચ વધવા લાગ્યો હતો. પરિણામે નફાનો ગાળો ઓછો રહેવા લાગ્યો હતો.

હુ આત્મા પ્રોજેક્ટ સાથે છેલ્લા ૪ વર્ષથી જોડાયેલો છું. આત્માનો સ્ટાફ રાજ્યમાં યોજાતી તાલીમ કેન્દ્રો પર લઈ જાય છે. આત્મા સ્ટાફ અમને કચ્છ, અડાલજ સહિત અનેક જગ્યાએ તાલીમ માટે લઈ ગયો હતો, ગાંધીનગર પાસે અડાલજ ખાતે યોજાયેલ શિબિરમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરમાં આચ્છાદન વિશે વિસ્તારથી સમજાવવામાં આવ્યું હતું, ત્યારથી હું મારા ખેતરમાં આચ્છાદન કરું છું.

આચ્છાદનથી જમીનમાં અળસિયાંની સંખ્યામાં અને ભેજમાં વધારો થાય છે. બીજને બિજામૃતનો પટ આપી વાવેતર કરીએ છીએ, જેથી પાકની વાવણી પહેલા જમીનમા ઘન જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ ઉપરાંત પૂર્તિ ખાતર માટે જીવામૃત તથા ઘન જીવામૃત વાપરીએ છીએ. રોગ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર અગ્નીઅસ્ત્ર, ખાટી છાસ, દસ્પર્ણીઅર્ક વગેરેનો ઉપયોગ કરીએ છીએ. પ્રાકૃતિક કૃષિથી અમારી જમીનમાં પિયતની સંખ્યા પણ ઘટી છે. અળસિયાની સંખ્યામા વધારો થવાથી જમીનની નિતાર શક્તિમા વધારો થયો છે.

આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ અંગે નિષ્ણાંતોના વીડિયો જોઈ માર્ગદર્શન મેળવ્યું હતું. ૪ એકરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને હળદરના પાકમા આ પદ્ધતિ ચાલુ કરી હતી. ત્યાર બાદ હળદર, મગફળી, મરચી, તુવેર, ચણા, ઘઉં, બાજરી, મગ બધા પાકમાં પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું હતું. બધી વસ્તુનું મુલ્યવર્ધન કરીને સીધું ગ્રાહકને જ વેચવાનું ચાલુ કર્યું. હળદર માંથી હળદળ પાવડર, મરચાનો પાવડર, મગ, ચણા, તુવેરમાંથી દાળ બનાવી પેકિંગ કરી ને જ વેચું છુ.

પ્રાકૃતિક કૃષિ અંતર્ગત હાલ ૪ એકર જમીનમાં હળદર, મગફળી, મરચી, મગ, ચણા, તુવેર, બાજરી સહિતના પાક લઈએ છીએ. રાસાયણિક ખેતી કરતાં ત્યારે આવક અંદાજિત રૂ. ૮,૦૦,૦૦૦ અને ખર્ચ- રૂ. ૩,૬૦,૦૦૦ થતો અને નફો- રૂ. ૪,૪૦,૦૦૦ મળતો હતો. જ્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી આવક અંદાજિત રૂ. ૯,૦૦,૦૦૦ અને ખર્ચ રૂ. ૧,૪૦,૦૦૦ થયો હતો અને નફો- રૂ. ૭,૬૦,૦૦૦ જેટલો થયો હતો.

અમે હળવદ તાલુકાના ખેડૂતો દ્વારા અને આત્મા પ્રોજેકટના સહયોગથી પ્રાકૃતિક સ્ટોલ ચાલુ કરેલ છે એમાં વેચાણ કરીએ છીએ તેમજ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી ગ્રાહક્ને સીધું જ વેચાણ પણ કરીએ છીએ. ગ્રાહકોના ઓર્ડર આવે તેને કુરિયર દ્વારા પ્રાકૃતિક કૃષિથી તૈયાર થયેલા ઉત્પાદનો પહોંચાડીએ છીએ.