મોરબીમાં 10 અને 20ની નોટોના બંડલની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયો

મોરબીમાંથી છેતરપીંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લોકોને 10 અને 20 રૂપિયાની નોટોના બંડલ આપવાની લાલચ આપી આંગડિયા મારફતે લાખો રૂપિયા પડાવનાર એક ગઠિયાને મોરબી સીટી ‘એ’ ડિવીઝન પોલીસે ઝડપી પાડ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ ભેજાબાજ પોલીસથી બચવા અને હોટલનો ખર્ચ ટાળવા સતત ટ્રેનમાં જ ફરતો હતો. માત્ર છેતરપીંડી માટે જ તે શહેરોમાં ઉતરતો હતો.

મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલી જ્યોતિપાર્ક સોસાયટીમાં રહેતા ચેતનભાઈ રતીલાલ દેએત્રોજા સાથે છેતરપીંડીની ઘટના બની હતી. અજાણ્યા શખ્સે ફોન કરીને 10 અને 20 રૂપિયાની નોટોના બંડલ આપવાની લાલચ આપી હતી. આ શખ્સે અમદાવાદમાં અન્ય નામે પૈસાનું આંગડિયું કરવાનું કહી વિશ્વાસમાં લઈ રૂ.2 લાખ 50 હજાર આંગડિયામાં મંગાવ્યા હતા. પરંતુ રૂપિયા મળ્યા બાદ કોઈ પણ પ્રકારના છુટા નોટોના બંડલ આપ્યા વગર આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલે મોરબી સીટી ‘એ’ ડિવીઝન પોલીસ મથકમાં BNS કલમ 318(4) અને 319(2) હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી પંકજભાઈ કેશવજીભાઈ ફેફર, રહેતા નવાગામ-લખધીરનગર, તાલુકા મોરબીને ઝડપી પાડ્યો હતો. કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આરોપી છેલ્લા છ મહિનાથી મોરબી સહિત વિવિધ જિલ્લાઓના અંદાજે 15 લોકોને આ જ રીતે છેતરી ચૂક્યો છે. પોલીસથી બચવા અને હોટલનો ખર્ચ બચાવવા તે સતત અમદાવાદ, સુરત, જયપુર અને ગોવા જેવા શહેરોમાં ટ્રેન દ્વારા જ મુસાફરી કરતો હતો. મોટાભાગનો સમય મુસાફરીમાં જ પસાર કરતો અને માત્ર છેતરપીંડી માટે જ શહેરોમાં ઉતરતો. વર્ષ 2019 માં પણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406, 420 અને 507 મુજબ તેની સામે ગુનો નોંધાયો હતો. પોલીસે જો કોઈ અન્ય વ્યક્તિ આ રીતની છેતરપીંડીનો ભોગ બન્યો હોય તો મોરબી સીટી ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરી છે.


Leave a Comment