સૌથી વધુ મોરબી તાલુકામાં ૪ હજાર એકરથી વધુ જમીન પ્રાકૃતિક ખેતી થકી બની નવપલ્લવિત
મોરબી જિલ્લો ઔદ્યોગિક રીતે વિશ્વભરમાં જાણીતો છે. સિરામિક, સેનેટરી, ઘડિયાળ, પેપરમીલ અને માટી ઉદ્યોગ સહિત અનેક ઉદ્યોગો અહીં ખૂબ વિકાસ પામ્યા છે, ત્યારે મોરબી જિલ્લો ખેતી ક્ષેત્રે પણ અગ્રેસર છે. મોરબી જિલ્લાના દાડમ સહિતના ફળ વિશ્વની બજારોમાં પણ એક્સપોર્ટ થાય છે. ત્યારે ખેતી ક્ષેત્રે પણ મોરબી જિલ્લાના ખેડૂતોએ પરસેવો પાડી કાઠું કાઢ્યું છે.
મોરબી જિલ્લામાં સરકારની સહાય અને આત્મા (એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી અને ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અનેક ખેડૂતો પરંપરાગત બની ગયેલી રાસાયણિક ખેતીને છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. સમગ્ર દેશ અને રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લાના ૨૨,૮૯૧ જેટલા ખેડૂતો ૧૫,૬૨૭ એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ ખેડૂતો પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજી આ ટકાઉ ખેતી પદ્ધતિ અપનાવી સારું આર્થિક ઉપાર્જન મેળવી રહ્યાં છે.
વિગતે અંદાજિત આંકડાકીય બાબતોની છણાવટ કરીએ તો મોરબી તાલુકાના ૬,૪૩૫ ખેડૂતો ૪,૦૦૯ એકરમાં, ટંકારા તાલુકાના ૩,૦૨૨ ખેડૂતો ૨,૨૮૪ એકરમાં, વાંકાનેર તાલુકાના ૫,૭૯૧ ખેડુતો ૩,૯૧૦ એકરમાં, હળવદ તાલુકાના ૪,૮૨૨ ખેડૂતો ૩,૭૫૮ એકરમાં તેમજ માળિયા તાલુકાના ૨,૮૨૧ ખેડૂતો ૧,૬૬૬ એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી કરતા આ ખેડૂતોને આત્મા દ્વારા આર્થિક સહાયની સાથે પૂરતો સહકાર આપવામાં આવે છે. ઉપરાંત બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ સહાય પણ આપવામાં આવે છે. રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા વિના થતી આ ખેતીમાં મુખ્ય ખેતી પાકની સાથે આંતરપાક પણ ઉગાડવામાં આવે છે. આવા ખેતી પાકો એકબીજાને પોષણ આપે છે. મુખ્ય ખેતી પાકનો ઉત્પાદન ખર્ચ સહજીવી પાકના ઉત્પાદન અને આવકથી નીકળી જાય છે. જ્યારે મુખ્ય પાક નફામાં મળે છે. પ્રકૃતિ અને ખેડૂત બન્ને માટે નફાકારક આ ખેતી પદ્ધતિ અપનાવી અનેક ખેડૂતો આગળ વધી રહ્યા છે.