ફૂડ સિક્યુરિટી ગૃપ અંતર્ગત આયોજીત તાલીમમાં મહિલા જૂથોને શાકભાજીની કીટનું વિતરણ કરાયું
મોરબી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ ૫ તાલુકામાં પ્રાકૃતિક ખેતી અંગે વિવિધ તાલીમનું આયોજન કરીને ૨૨ મહિલા જૂથોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવામાં આવી હતી.
રાસાયણિક ખેતીને બદલે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યમાં અભિયાન રૂપે લોકોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવા માટે ગુજરાતના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આત્મા પ્રોજેકટ, મોરબી અંતર્ગત મોરબી જિલ્લાના તમામ ૫ તાલુકામાં ફૂડ સિક્યોરિટી ગૃપ અંતર્ગત કુલ ૨૨ મહિલા જૂથોને શાકભાજીની કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક કૃષિ એટલે ગાય આધારિત ખેતી ગાય આધારિત ખેતીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર, જીવામૃત, ધન જીવામૃત વગેરેનું ખુબજ મહત્વ રહે છે તે વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તમામ તાલુકામાં મહિલાઓને શાકભાજી કીટ વિતરણની સાથે જરૂરી પ્રાકૃતિક કૃષિની સમજણ પણ આત્મા પ્રોજેકટના સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી.