ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માર્ગદર્શિકા જાહેર કરાઈ

મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી વિવિધ ઇનપુટોની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય.

બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર વિગેરે વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહી. હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો. પાકને નિંદામણ મુક્ત રાખવો જેથી નિંદામણને કારણે પાક પર થતી માઠી અસર નિવારી શકાય. અનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી.

ખરીદ કરેલ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓના ઉપયોગને લીધે ઉભા પાકમાં કોઇ ફરીયાદ જણાય તો આવી ફરીયાદના નિવારણ અર્થે સરકાર દ્વારા જિલ્લા કક્ષાની ઉભા પાકની કમિટિની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ જે તે જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી તથા સભ્ય તરીકે જે તે જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) તથા કૃષિ યુનિવર્સીટી કૃષિ નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉભા પાકની ફરીયાદ માટે અરજદાર દ્વારા સબંધિત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીને ફરીયાદ કરવાની રહે છે તથા ફરીયાદના આધારે ઉભા પાકની કમીટી દ્વારા સ્થળની મુલાકાત કરી જે તે હકીકત હોય તે મુજબ નુકશાનીના અંદાજ સાથે ખેડૂતને અહેવાલ આપવામાં આવે છે. જે ખેડૂતોને કાયદાકીય કાર્યવાહીમાં મદદરૂપ થાય છે તેવું મોરબી નાયબ ખેતી નિયામક(વિ.)ની યાદીમાં જણાવાયું છે.