નવા ૨૮ જોબકાર્ડ નોંધવામાં આવ્યા; ‘એક પેડ માં કે નામ અભિયાન’ અંતર્ગત ૬૨૦ જેટલા વૃક્ષો વવાયા
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત મનરેગા યોજનામાં રોજગારી મેળવતા કુટુંબો માટે ગત ૩ ઓગસ્ટના રોજ મોરબી જિલ્લાની ૬૧ ગ્રામ પંચાયતોમાં રોજગાર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર એક્ટ હેઠળ મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા કોઈ પણ પુખ્ત વયના શ્રમિકને કુટુંબ દીઠ મહતમ દૈનિક રૂ. ૨૮૦/- લેખે રોજગારી આપવામાં આવે છે. મોરબી જિલ્લાના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર એક્ટ હેઠળ રોજગારી મેળવતા કુટુંબોને યોજનાકીય સંપૂર્ણ માહિતી મળે, હાલ કામ કરવા પાત્ર થયેલ નવા સભ્યોને જોબ કાર્ડમાં ઉમેરી શકાય. ગ્રામ્ય કક્ષાએથી શ્રમિકોની ફરિયાદો સાંભળી શકાય તેમજ ફરિયાદોનો ત્વરિત નિકાલ કરી શકાય એ અર્થે તા: ૦૩/૦૮/૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લાની ૬૧ ગ્રામ પંચાયતોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રોજગાર દિવસ અન્વયે ‘એક પેડ માં કે નામ અભિયાન’ અંતર્ગત ૬૨૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જિલ્લાની કુલ ૬૧ ગ્રામ પંચાયતોમાં ૨૪૪ સ્ત્રીઓ અને ૭૩૭ પુરૂષો મળી કુલ ૯૮૧ લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને કુલ ૨૮ નવા જોબકાર્ડ નોંધવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ફરજ બજાવતા કુલ ૧૬૫ કર્મચારીઓ આ કાર્યક્રમોમાં હાજર રહી શ્રમિકોને મદદરૂપ બન્યા હતા. આ કાર્યક્રમોમાં ગ્રામ પંચાયતના હોદેદારો પણ જોડાયા હતા.