૧૨ ઓગસ્ટે જિલ્લા કક્ષાએ યોજાશે તિરંગા યાત્રા; જિલ્લાવાસીઓને સહભાગી થવા કલેક્ટરનો અનુરોધ
તિરંગા યાત્રા, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, ઉપરાંત તિરંગા માટે બલિદાન આપનાર શૂરવીરોને શ્રદ્ધાંજલિ અપાશે
- કલેકટર કે.બી. ઝવેરી દ્વારા ‘હર ઘર તિરંગા’ના અભિયાન માટે વિવિધ વિભાગોના અધિકારીઓને આપ્યા આદેશો
- જિલ્લાભરના સરકારી – ખાનગી ભવનો, ઔદ્યોગિક એકમો, શાળા-કોલેજો, ઘર ઘર પર શાનભેર લહેરાશે તિરંગો
સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા પર્વની પૂર્વે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અન્વયે ગુજરાત રાજ્યમાં પણ દેશને સ્વતંત્રતા અપાવનાર સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને યાદ કરવા, લોકોમાં દેશ ભક્તિનો માહોલ ઉભો કરવા અને તિરંગા પ્રત્યે લોકોની આત્મીયતા વધુ સુદ્રઢ્ય બને તે હેતુથી ‘હર ઘર તિરંગા’ અભિયાન ઉજવવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉમંગભેર ઉજવણી થાય તેવા હેતુથી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા સંયુક્ત રીતે સહિયારું આયોજન કરી વિવિધ કાર્યક્રમોના આયોજન થકી ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે.
જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ૦૮ ઓગસ્ટ તથા ૦૯ ઓગસ્ટ દરમિયાન જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં દેશભક્તિની થીમ ઉપર રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી તેમજ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, હર ઘર તિરંગા થીમ આધારિત ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવનાર છે તેમજ તિરંગા માટે બલિદાન આપનાર શૂરવીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ઉપરાંત તિરંગા સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે.
મોરબી પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ મોરબી ચીફ ઓફિસર દ્વારા ૧૨ ઓગસ્ટના રોજ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ૧૨ ઓગસ્ટના રોજ ટંકારા ખાતે, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ૧૧ ઓગસ્ટના રોજ માળિયા ખાતે, હળવદ પ્રાંત અધિકારી દ્વારા ૧૧ ઓગસ્ટના રોજ હળવદ ખાતે તેમજ વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા ૧૨ ઓગસ્ટના રોજ વાંકાનેર ખાતે તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં સહભાગી થવા જિલ્લાના તમામ નાગરિકોને જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લાના મોટા સરકારી ભવનો, વ્યાજબી ભાવની દુકાનો, સેલ્સ પોઇન્ટ, રજીસ્ટર થયેલી ફેક્ટરીઓ, જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલ, સીએચસી, પીએચસી, એસએચસી, અર્બન હેલ્થ સેન્ટર, ઔદ્યોગિક એકમો, ખાણકામ એકમો, આંગણવાડી, પોલીસ સ્ટેશન, ચેક પોઇન્ટ, સહિત દરેક સરકારી જાહેર ઈમારતો ઉપર તિરંગો લહેરાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં જિલ્લાના સાંસ્કૃતિક જૂથ, રજીસ્ટર મંડળીઓના સભ્યો, શ્રમિકો, વન વિભાગ-પોલીસ વિભાગ સહિત તમામ વિભાગોના કર્મચારીઓ, ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ, જિલ્લાની શાળા કોલેજ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, પરંપરાગત લોક નૃત્યના કલાકારો, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, યોગબોર્ડ, યુવકબોર્ડ, રમતવીરો, જિલ્લાની આઇકોનિક વ્યક્તિઓ સહિત જિલ્લાવાસીઓ ઉત્સાહભેર આ અભિયાનમાં સહભાગી બને તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરાંત કાર્યક્રમોના દિવસો દરમિયાન પોલીસ પરેડ (સ્પેશિયલ તિરંગા માર્ચ – આન બાન ઓફ તિરંગા), કાર્યક્રમને અનુરૂપ બેનર, પોસ્ટર, પેમ્પ્લેટ અને પત્રિકાઓના વિતરણ થકી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેમજ એસ.ટી. બસ પર ‘હર ઘર તિરંગા’ના સંદેશ લગાડવા સહિતના આયોજનો જિલ્લા કલેક્ટર ઝવેરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવનાર છે.