મોરબીમાં હળવદના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને CM રાહત ફંડમાંથી રૂ. ૪ લાખની સહાય મળશે

મોરબી પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ મોરબી ખાતેથી કરી જાહેરાત

મોરબી જિલ્લામાં હળવદના ઢવાણા ગામે ટ્રે્ક્ટરમાં તણાઈ જવાની દુર્ઘટનામાં વોકળામાં તણાઈને મૃત્યુ પામેલા દિવંગતો માટે સરકારશ્રીએ સંવેદના વ્યક્ત કરી છે. ત્યારે હાલ સરકાર દ્વારા આ મૃતકો માટે સી.એમ. રાહત ફંડમાંથી રૂ. ૪ લાખની સહાય આપવામાં આવશે જેની મોરબી પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ મોરબી ખાતેથી જાહેરાત કરી હતી.

મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના ઢવાણા ગામે ગત ૨૫ તારીખે મોડી સાંજે ગામની નજીક આવેલા વોકળામાં ટ્રેકટર તણાયું હતું જેમાં ૧૭ લોકો સવાર હતા. જેમાંથી વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ફાયરની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા ૯ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અન્ય લોકોની શોધખોળ માટેનાંં પ્રયાસો શરુ છે, જેમાં એન.ડી.આર.એફ.ની ટીમ અને બોટ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી છે. જેના પગલે અત્યાર સુધીમાં ૫ લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે.

સરકાર દ્વારા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતો માટે સંવેદના વ્યક્ત કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી છે. સરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ મૃતકોના પરિવારજનોને રૂ. ૪-૪ લાખ ચુકવવામાં આવશે. આ સહાયની મોરબી ખાતે આવેલા જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જાહેરાત કરી હતી.