“ગરીબોની આર્થિક ઉન્નતિ માટે સરકાર દ્વારા ક્રાંતિકારી પગલાંઓ લેવાયા છે” – જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી
“છેવાડાના તમામ લોકોને માટે મુખ્ય ધારા સાથે સાંકળવા તથા તેમના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ” – રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા
મોરબીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી અને રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ મેળા અન્વયે જિલ્લાના ૧૬ હજારથી વધુ લાભાર્થીઓને ૨૭ કરોડ જેટલી સહાયના ભાગરૂપે વિવિધ યોજનાઓના લાભ સાથે સાંકળી લેવામાં આવ્યા હતા.
ગરીબ કલ્યાણ મેળાને જરૂરીયાતમંદ લોકો માટે આશિર્વાદરૂપ ગણાવતાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, સરકાર અને ગુજરાત સરકાર વંચિતો, ગરીબો અને ખેડૂતોને સમર્પિત સરકાર છે. આજે આરોગ્ય, શિક્ષણ, કૃષિ, સામજ કલ્યાણ સહિતના તમામ ક્ષેત્રે માળખાગત સુવિધા ઉપલબ્ધ બની છે. સરકારના મહિલા સશક્તિકરણ તરફના સરકારના ક્રાંતિકારી પગલાંઓની કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું મહિલાઓને પગભર બનાવવા માટે બજેટમાં પણ મહિલાલક્ષી યોજનાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. ટેકનોલોજી ક્ષેત્રે દેશ અગ્રેસર બન્યો છે જેના કારણે ગરીબોને તમામ યોજનાનો લાભ આંગળીના ટેરવે સીધો શક્ય બન્યો છે તેવું પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ તકે સ્વચ્છતા હી સેવા એક પેડ મા કે નામ સેવા સેતુ તથા પ્રાકૃતિક ખેતી સહિતના અભિયાનમાં સહભાગી બનવા તેમણે સૌને અપીલ કરી હતી.
રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયના તેમના ભગીરથ કાર્યોના કારણે હાલ ગુજરાત વિકાસના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત બન્યો છે. આજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આ ક્ષેત્રે સતત પ્રગતિશીલ છે. છેવાડાના લોકોના વિકાસથી દેશનો વિકાસ સંભવ છે જેથી છેવાડાના તમામ લોકોને માટે મુખ્ય ધારા સાથે સાંકળવા તથા તેમના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આજે અનેક કલ્યાણકારી યોજનાઓ ગરીબોને સીધો લાભ મળતો થયો છે.
આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરાએ પ્રસંગિક પ્રવચન કર્યા હતા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનાં વર્ચુલ રાજયકક્ષાના કાર્યક્રમ પ્રસારિત થયો હતો.
આ પ્રસંગે સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે વ્હાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, અન્ન સુરક્ષા, મિશન મંગલમ, માનવ કલ્યાણ, માનવ ગરીમા યોજના સહિત અનેક યોજનાઓ હેઠળ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ હેતુ અનેક યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને સંલગ્ન વિવિધ આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે હાલ સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળા યોજાઈ રહ્યા છે. જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. ગરીબ કલ્યાણ મેળામાં પુરવઠા વિભાગ, ઊર્જા વિભાગ, કૃષિ વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, પંચાયત, સમાજ કલ્યાણ વિભાગ, ઉદ્યોગ વિભાગ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળવિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, લીડ બેંક, શ્રમ અને રોજગાર વિભાગ સહિતના અનેક વિભાગની જન કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખશ્ર અશોકભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનજીભાઈ ભાગીયા, સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયા સહિત જિલ્લાના પદાધિકારીઓ/અધિકારીઓ તથા જિલ્લાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.