મોરબી : ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત મહાનુભાવો તથા સર્વે નાગરિકોએ સ્વચ્છાગ્રહી બનવા અને અન્યને પ્રેરવા શપથ લીધા

સ્વચ્છ રહીશું તો સ્વસ્થ રહીશું; મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તથા સાંસદ સહિતના મહાનુભાવોએ સ્વચ્છતા સેલ્ફી લીધી

મોરબીમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત સર્વે મહાનુભાવ તથા જિલ્લામાંથી બહોળી સંખ્યામાં પધારેલા નાગરિકોએ સ્વચ્છતા શપથ લીધા હતા તથા સેલ્ફી પોઇન્ટ પર સ્વચ્છતા સેલ્ફી પણ લીધી હતી.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. આજે મોરબીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો આ મેળામાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી સહિત ઉપસ્થિત મહાનુભાવો તેમજ સમગ્ર જિલ્લામાંથી ઉપસ્થિત રહેલા નાગરિકોએ સ્વચ્છાગ્રહી બની પોતાના આજુબાજુના વિસ્તારને સ્વચ્છ રાખી હંમેશા સ્વચ્છતાનો આગ્રહ રાખવા તથા અન્યને પણ સ્વચ્છતા માટે પ્રેરણા આપી સ્વચ્છતા માટે યથાયોગ્ય યોગદાન આપવા માટેના શપથ લેવામાં આવ્યા હતા.

આ ગરીબ કલ્યાણ મેળા દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ સ્વચ્છ ભારત મિશન હેઠળના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા સાથે સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સૌ મહાનુભાવોએ ‘સ્વચ્છ રહીશું તો, સ્વસ્થ રહીશું’ની ઉક્તિને સાર્થક કરી સ્વચ્છ સેલ્ફીઓ પણ અંકિત કરી હતી.