ગાંધીજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા આપણે સૌ સ્વચ્છાગ્રહી બની ગમે ત્યાં કચરો ન ફેકવા સંકલ્પ કરીએ
– જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી
સ્વચ્છતા હી સેવા અભિયાન થકી ઘર ઘર સુધી સ્વચ્છતાનો સંદેશો પહોંચ્યો – રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા
મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી અને રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજીની પ્રેરક ઉપસ્થિતિમાં ૨જી ઓક્ટોબર ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવણી કરવા સ્વચ્છતા હી સેવા પખવાડીયાના સમાપન સમારોહમાં એવોર્ડ અર્પણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, ગાંધીજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા આપણે સૌ સ્વચ્છાગ્રહી બનીએ અને ગમે ત્યાં કચરો ન ફેકવા માટે સંકલ્પ કરીએ. સ્વચ્છતા જાળવવા માટે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવો અત્યંત જરૂરી છે. ઉપરાંત ભીના અને સૂકા કચરાને અલગ અલગ રાખી તેનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે પણ મહત્વનું છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલાએ સ્વચ્છ ભારત માટે પ્લાસ્ટિકને જાકારો આપવાની બાબતને મહત્વ આપતા તેમણે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકનો નાશ કરી શકાતો નથી જેથી પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરી દૈનિક વપરાશમાં કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. સ્વચ્છતા હી સેવા અભિયાન થકી ઘર ઘર સુધી સ્વચ્છતાનો સંદેશો પહોંચ્યો છે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી અભિગમ થકી આજે ઘર ઘર સુધી શૌચાલય પહોંચ્યા છે અને લગભગ દરેક ગામડા ખુલ્લામાં શૌચમુક્ત બન્યા છે. ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌને કટિબદ્ધ બનવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
વધુમાં ગાંધીજીના મોરબી જિલ્લા સાથેના સંબંધોની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજીના પિતાશ્રી કરમચંદ ગાંધી વાંકાનેર સ્ટેટમાં દિવાન હતા જેથી ગાંધીજીનો મોરબી જિલ્લા સાથેનો સંબંધ બહુ જૂનો અને મહત્વનો છે.
આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રાસંગિક ઉદબોધન આપી જીવનમાં સ્વચ્છતાના મહત્વની વાત પર ભાર મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્રારા તા.૧૭/૦૯/૨૦૨૪ થી તા.૦૨/૧૦/૨૦૨૪ સુધી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ – સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ પખવાડીયા તેમજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અને સ્વચ્છ ભારત મિશન(ગ્રા) ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૨જી ઓકટોબરને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી છે. આ સ્વચ્છતા પખવાડિયાની મોરબી જિલ્લામાં સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. જેના ભાગરૂપે કાર્યક્રમના સમાપન પ્રસંગે એવોર્ડ અર્પણ કરી પ્રોત્સાહીત કરવા માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ગ્રામીણ વિસ્તારના તથા નગરપાલિકા વિસ્તારના સ્વચ્છતા મિત્રોનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્વચ્છતા બાબતે શ્રેષ્ઠ તાલુકા, શ્રેષ્ઠ તાલુકા પંચાયત, શ્રેષ્ઠ સરકારી કચેરી સહિતનું પણ પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ પંચમુખી હનુમાનજી પાસે વેજીટેબલ રોડ પર રસ્તાની સફાઈ કરી હતી તથા પંચમુખી હનુમાનજી મંદિરના પરિસરમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિત મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં સ્વચ્છતા મિત્રો (સફાઈ કર્મીઓ) અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.