તાલુકા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો અંગેની અરજી તા.૧૦ ઓકટોબર સુધીમાં કરવાની રહેશે
લોકોની ફરિયાદોના નિવારણ માટે વાંકાનેર તાલુકા કક્ષાએ યોજાતો ઓકટોબર- ૨૦૨૪ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તારીખ ૨૩/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટશ્રીની કચેરી, તાલુકા સેવા સદન, વાંકાનેરના સભાખંડમાં યોજાશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તારીખ ૧૦ ઓકટોબર સુધી ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે.
તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી.
અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદ્દાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે. સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન, રહેમરાહે નોકરી, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહીં. જેની તમામ અરજદારોને ખાસ નોંધ લેવા અંગે મામલતદાર, વાંકાનેરની યાદીમાં જણાવાયું છે.