મોરબી કલેક્ટર કચેરી ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત અધિકારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી

મોરબી જિલ્લામાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓએ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.

ગુજરાતની વિકાસયાત્રાને અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં દર વર્ષે ૦૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓએ દેશ માટે સમર્પિત રહેવા, દેશના સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવા, સમાવેશી અને સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્યરત રહેવા, દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા, એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરી બંધુતાની ભાવનાને પ્રાધાન્ય આપવા, દેશની એકતા અને અખંડિતતા જાળવવા તથા રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવી દેશના વિકાસ અને કલ્યાણ માટે તન મન અને ધનથી અવિરત પ્રયાસરત રહેવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.

જિલ્લાની અન્ય જિલ્લા કક્ષાની કચેરીઓ સાથે મોરબી જિલ્લા માહિતી કચેરીના તમામ સ્ટાફ દ્વારા વિકાસ ભારત પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.