મોરબી જિલ્લાના વિવિધ ગામડાઓના સરપંચ તલાટીઓને સ્વચ્છતા વિશે તાલીમબદ્ધ કરાયા                

સ્વચ્છતા અંગે તલાટી તથા સરપંચોને માર્ગદર્શન આપી ગામડાઓને સુંદર અને રળિયામણા બનાવવાનો સરકારનો ઉદ્દેશ

ગ્રામીણ વિસ્તારોને સ્વચ્છ બનાવવા માટે ગામડાઓના લોકોમાં જાગૃતિ આવે અને સરપંચ તલાટી મંત્રી સહિત ગામ લોકો પણ સ્વચ્છતામાં જનભાગીદારી નોંધાવે તે માટે મોરબીમાં ટંકારા વાકાનેર અને માળિયા તાલુકાના ગામડાઓના સરપંચ અને તલાટી મંત્રીઓને ગત ૧૬ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત SIRD, સપીપા અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમ અન્વયે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના બીજા તબક્કા હેઠળ કરવામાં આવી રહેલી કામગીરીની સિદ્ધિઓનું ટકાઉપણું અને ગ્રામીણ વિસ્તારમાં ઘન/પ્રવાહી અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (SLWM) માટે યોગ્ય વ્યવસ્થા, બાયોડિગ્રેડેબલ ઘન કચરાનું વ્યવસ્થાપન, ગ્રેવોટર (ડોમેસ્ટિક વેસ્ટ વોટર) મેનેજમેન્ટ, ગટરના કાદવ વ્યવસ્થાપન, ગોબર-ધન – ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સ સ્કીમને પ્રોત્સાહન મળે અને બાયોડિગ્રેડેબલ કચરાને કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG)માં રૂપાંતરિત કરીને ખેડૂતોની આવક વધે તે માટેની જરૂરી કાર્યવાહી સહિતના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં હાલ સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને ગામડાઓ વધુ સુંદર અને રળિયામણા બને તેવા ઉદ્દેશ સાથે સરકાર દ્વારા અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ દ્વારા ગામડાઓને સ્વચ્છ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોના સરપંચ અને તલાટી મંત્રીઓને પણ સ્વચ્છતા બાબતે તાલીમબદ્ધ કરવા મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત ૧૬ થી ૧૮ ઓક્ટોબરે દરમિયાન મોરબીમાં ટંકારા, માળીયા અને વાંકાનેર તાલુકાના વિવિધ ગામડાઓના સરપંચ અને તલાટી મંત્રીઓને તાલીમ આપવામાં આવી હતી.