મોરબી : દિવાળી પર્વને લઈ ગરીબ બાળકોને કપડાનું વિતરણ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ

મોરબી: હજું સમાજમાં એવો વર્ગ છે, જે દિવાળીના દિવસે પણ પોતાના ઘરે ચૂલો કેમ સળગશે, તેના છોકરા ફટાકડા કેવી રીતે ફોડશે અને ચારે તરફ ઉજવણી ચાલતી હશે, ત્યારે પોતે ફૂટપાથના કયા ખૂણે સુઈ જશે એની ચિંતા કરતા હોય છે. ઝૂંપડપટ્ટીમાં છાપરે વાદળી પ્લાસ્ટિક નાખીને પોતાનું આકાશ બનાવતા આ વર્ગના લોકો માટે તો દિવાળી, બેસતું વર્ષ અને સામાન્ય દિવસ દરેક સરખા હોય છે. પરંતુ આવી ચિંતા કરતા લોકોની ચિંતા કરનારાય આપણા જ સમાજમાં બેઠા છે. જેમાં એક અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ છે.

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહે છે. અને વાર-તહેવારો હોય કે પછી જન્મદિવસ તેઓ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને તેની ઉજવણી કરતા હોય છે. ત્યારે દિવાળી પર્વને લઇને પણ અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને ગરીબ બાળકોને કપડાનું વિતરણ કર્યું હતું. જેમાં મોરબીના લીલાપર રોડ, મયુર પુલ નીચે, દલવાડી સર્કલ કામધેનું પાસે તથા નવલખી રોડ પર આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારના 350થી વધુ બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ લગધીરકા મેડમ, ઉષા ગજરા, ચેતના કાસુન્દ્રા, નિર્મલાબેન હડિયલ, આરતીબેન, ચાંદનીબેન, અવનીબેન ગૌસ્વામી, ભારતીબેન તેમજ જાગૃતિબેન સહિતની બહેનો જોડાય હતી.