દિવાળી નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ અનોખું સફાઈ અભિયાન
મોરબી : દિવાળી નિમિતે વર્ષોથી આપણે ત્યાં દિવાળી કાઢવાની એટલે ઘર, ઓફિસ સહિતના દરેક સ્થળોએ સફાઈ કરવાની પરંપરા છે અને આખા વર્ષનો કચરો એક દિવસમાં કાઢીને સફાઈ કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં સર્વધર્મ સમભાવની સાથે દરેક પર્વની અનોખી ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપે પણ અનોખી રીતે “દિવાળી કાઢી ” હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે દેશ આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર અને રાષ્ટ્માં જીવન સમર્પિત કરનાર ક્રાંતિવિરો અને મહાનુભવોની પ્રતિમાની સાફ સફાઈ કરીને ચોખ્ખીચણાક કરી હતી.
મોરબીમાં દિવાળી નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ અનોખું સફાઈ અભિયાન ચલાવ્યું હતું. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દીપાવલી નિમિતે વર્ષોથી ઘર ઓફિસ, દુકાન એમ બધા પોત પોતાના સ્થળોએ સાફ સફાઈ કરીને કચરો કાઢે છે. જેને આપણે દિવાળી કાઢી એવા શબ્દનો ઉપયોગ કરીએ છે. જો કે બધા લોકો પોત પોતાની મિલકતની સફાઈ કરે છે. પણ જાહેર મિલકતની સફાઈ તંત્ર ઉપર છોડે છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપે તંત્ર પર આ જવાબદારી ઢોળવાને બદલે પોતાની મિલકત સમજીને જાગૃત નાગરિકની ફરજ નિભાવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ મેમ્બરોએ શહેરમાં આવેલી ક્રાંતિવીર શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, ડો.બાબા સાહેબ આંબેડકર સહિતના દેશ માટે મરી મીટવાની ભાવના ધરાવતા સાચા લોકનેતાઓની પ્રતિમાને સાફ સફાઈ કરીને એકદમ સ્વચ્છ કરી નાખી હતી અને લોકોને જાહેર મિલકતની પણ જાળવણી કરવાનો મેસેજ આપ્યો છે.