આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી, નાગરિકો વધુને વધુ સરકારની સેવાનો લાભ મેળવે તે માટે સુચારુ આયોજન કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળની સરકાર દ્વારા રાજ્યમાં ફરીથી આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ચાલુ કરવામાં આવનાર છે ત્યારે પ્રજાજનોને ઘર આંગણે જ સરકારની તમામ સુવિધાઓ સરળતાથી મળી રહેશે.
આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ ફરીથી શરૂ થવા જઇ રહ્યો છે. દર મહિનાના બીજા શનિવારે તાલુકા તેમજ નગરપાલિકા સ્તરે યોજાનાર આ સેવા સેતુના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત બુધવારે કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજિત બેઠકમાં જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે અરજદારોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મુક્યો હતો.
ઉપરાંત વધુમાં વધુ નાગરિકો સરકારની આ સેવાનો લાભ મેળવી શકે તે માટે સ્થાનિક સરપંચશ્રીઓ અને સભ્યો સાથે બેઠકમાં સુચારુ આયોજન કરવા પણ અધિકારીઓને જણાવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ તેમજ નિવાસ અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા પણ અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.
મોરબી તાલુકા કક્ષાના આમરણ ક્લસ્ટરનો ખાતે આમરણ પ્રાથમિક શાળા ખાતે, ટંકારા તાલુકાના લજાઇ ક્લસ્ટરનો લજાઇ ગામની પ્રાથમિક શાળા મુકામે, હળવદ તાલુકા સ્તરના ઘનશ્યામપુર ક્લસ્ટરનો ઘનશ્યામપુર પ્રાથમિક શાળા ખાતે, માળીયા તાલુકાના મોટી બરાર ક્લસ્ટરનો મોટી બરાર પ્રાથમિક શાળા મુકામે સેવા સેતુ કાર્યક્રમો યોજાશે. મોરબી, હળવદ, વાકાંનેર અને માળીયા નગરપાલિકા સ્તરના સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોને સવારે ૯.૦૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી ૫૬ પ્રકારની ૧૩ જેટલા વિભાગોની સેવા એક જ સ્થળ પર આપવામાં આવશે.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશીતા મેર, નાયબ કલેક્ટરશ્રી એમ.એ. ઝાલા, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, ડીવાયએસપી એમ.આઇ. પઠાણ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરા, જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. વી.કે. ચૌહાણ, પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર પી.પી. બાવરવા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત તમામ મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના પ્રતિનિધિઓ તેમજ લગત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.