જિલ્લા બાળ સુરક્ષા એકમ- મોરબી સમાજ ઉપયોગી અને નાગરિકોને મદદરૂપ બને તેવી વિવિધ કામગીરીમાં હંમેશા અગ્રેસર રહે છે. ગત તારીખ ૧૨/૧૦/૨૦૨૪ ના રોજ હળવદ ખાતેથી મહિલા અભિયમ હેલ્પલાઈન ૧૮૧ પર એક જાગૃત નાગરિકે ખોવાયેલી બાળકી અંગે જાણ કરી હતી. ત્યારબાદ આ બાળકીને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના આદેશથી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, વિકાસ વિદ્યાલય, મોરબી ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.
જે બાળકીનું વ્યવસ્થિત રીતે કાઉન્સેલીંગ કરતા જાણવા મળ્યું હતું કે, આ દીકરી મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના નરસુલ્લાગંજનના ચીંચ ગામમાં રહે છે. જેની જિલ્લા બાળ સુરક્ષા એકમ- મોરબી દ્વારા ખરાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ સિહોર અને બાળ ક્લ્યાણ સમિતિ- સિહોર મધ્યપ્રદેશ સાથે સંકલન કરીને બાળકીના ઘર તપાસણી કરવામાં આવી હતી. તેમજ બાળકીને તેના માતા- પિતા સાથે વિડિયો કોલ મારફતે વાતચીત કરાવી હતી.
જે બાળકીના માતા-પિતા ગત તારીખ ૨૯-૧૧-૨૦૨૪ ના રોજ બાળ કલ્યાણ સમિતિ- મોરબી સમક્ષ રજુ થતા બાળકીનું તેના માતા-પિતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમની સમગ્ર ટીમ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન અને તેમના સભ્યઓ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, વિકાસ વિદ્યાલયના અધિક્ષક અને મેનેજમેન્ટ ટીમના સંયુક્ત પ્રયાસોથી બાળકીનું તેના પરિવાર સાથે પુન:સ્થાપન કરાવવામાં આવ્યું હતું.