મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ તરીકે જયંતીભાઈ રાજકોટિયાનું નામ જાહેર થતા આગેવાનો અને કાર્યકર્તાઓએ તેમનું બહુમાન કર્યું છે. આ વેળાએ નવનિયુક્ત પ્રમુખે પક્ષ માટે શ્રેષ્ઠ કામ કરવાનું આહવાન પણ કર્યું હતું. પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ શહેરો અને જિલ્લાના પ્રમુખોના નામની જાહેરાત કરી છે. જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જયંતીભાઈ રાજકોટિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે હરભોલે હોલ ખાતે સાંજે કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા જયંતીભાઈ રાજકોટિયાનું મો મીઠું કરાવી તેમજ ફૂલ-હાર કરી સન્માન કર્યું હતું.
આ વેળાએ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે પક્ષ માટે નાનપણથી કામ કરતો હતો. હવે વધારાની જવાબદારી સોંપી એટલે વધુ કામ કરવાનું છે. કાર્યકર્તાઓના તપોબળથી આજે પાર્ટી આ સ્તરે પહોંચી છે. પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તેને હું સારી રીતે નિભાવિશ. કાર્યકર્તાઓને સાથે રાખી મોરબી જિલ્લાને પાર્ટી પાસેથી જે અપેક્ષા છે તે પણ પરિપૂર્ણ થશે.



