મોરબી નજીક ત્યજી દીધેલા બાળકને આશરો મળ્યો

મોરબી: ગત તારીખ 19 માર્ચના રોજ અજાણ્યા વ્યકિત દ્વારા ટંકારા તાલુકાના ઘુનડા-સજનપર ગામની સીમ નવાગામ રોડ, લક્ષદીપ કારખાનાની સામે ત્યજી દીધેલી હાલતમાં બાળક મળી આવ્યું હતું. જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે તાત્કાલિક ટંકારા પોલીસ, આરોગ્યની ટીમ તથા 108 ઇમર્જન્સી પહોચી હતી. અને બાળકને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું.

તેમજ ટંકારા પોલીસ મથકના પીઆઈ કે.એમ.છાસિયાએ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ તાત્કાલિક ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.પી.કે.દુધરેજીયા એમના માર્ગદર્શન હેઠળ બાળકની સંપૂર્ણ સારસંભાળ લેવામાં આવી હતી. અને ટંકારા પોલીસની શી ટીમના નિજુબેન કિશોરભાઈ, મોનિકાબેન ભરતભાઈએ બાળકની કેરટેકર તરીકે સિવિલ હોસ્પિટલ ખાતે રહ્યા હતા.

તેમજ તારીખ 27 માર્ચના રોજ બાળકનું સ્વાસ્થ્ય સારૂ દેખાતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિ સમક્ષ બાળકને રજૂ કરવામાં આવ્યું હતું. અને આ બાળકના શ્રેષ્ઠ હિતને ધ્યાને લઈ બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રમાબેન ગડારા, તેમજ સભ્યો દ્વારા કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ 2015, ગુજરાત કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને રક્ષણ)ના નિયમો-2019 તેમજ દત્તક ગ્રહણના નિયમો 2022 મુજબ સ્પેશિયલ એડોપ્સન એજન્સી (કાઠિયાવાડી નિરાશ્રીત બાલાશ્રમ) રાજકોટ ખાતે આશ્રય માટેના આદેશો આપાવામાં આવ્યો હતો. આમ આ સમગ્ર કામગીરીના બાળ સુરક્ષાની ટીમ, બાળ કલ્યાણ સમિતિ, ટંકારા પોલીસ સ્ટેશન તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત કામગીરી કરવામા આવી હતી.

તદઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો.વિપુલ શેરશીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોઈ પણ જગ્યાએ આવી ઘટના ધ્યાનમાં આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન, જિલ્લા બાળ સુરક્ષા કચેરી તેમજ ચાઇલ્ડ હેલ્પ લાઈન 1098માં જાણ કરવા અનુરોધ છે.