મોરબીમાં વ્યાજખોરોનો આતંક: શિક્ષકનું અપહરણ કરીને વ્યાજખોરોએ માર માર્યો

મોરબીમાં ફરી એકવાર વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. મોરબીના લખધીરપુર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાજપર ગામના વતની શિક્ષકનું બે વ્યાજખોરો અને એક સાગરીત મળી ત્રણ શખ્સોએ પઠાણી ઉઘરાણી માટે શિક્ષકનું સ્વીફ્ટ કારમાં અપહરણ કરી ઢોર માર મારી શિક્ષકને જાનથી મારી નાખવા ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા અને લખધીરપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હરેશભાઇ ગોરધનભાઇ વડગાસીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી વ્યાજખોર રવિ સવજીભાઈ મારવાણીયા, કેલ્વિન પટેલ અને વિશાલ વિનોદભાઈ પારેજીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, હરેશભાઈએ આરોપી રવિ અને વિશાલ પાસેથી અગાઉ 20-20 લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લઈ 40 લાખના 59 લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા હતા. જો કે, શિક્ષકે ધંધાના કામ માટે વ્યાજે લીધેલ નાના બમણાથી વધુ ચૂકવી આપવા છતાં આરોપી વિશાલનો સાઢું ભાઈ કેલ્વિન પટેલ અવાર-નવાર પૈસાની ઉઘરાણી કરી મોબાઈલમાં ધાકધમકી આપતો હતો અને ગત તા.27ના રોજ બપોરે ફરિયાદી લખધીરપુર પ્રાથમિક શાળા ખાતે ફરજ ઉપર હતા ત્યારે ત્રણેય આરોપીઓ સ્વીફ્ટ કારમાં શાળાએ ધસી જઈ હરેશભાઈનું કારમાં અપહરણ કરી ઢોર માર મારી વધુ પૈસા નહિ આપે તો જાનથી મારી નાખવા ધમકી આપી હતી. સમગ્ર મામલે હાલમાં મોરબી તાલુકા પોલીસે ત્રણેય વ્યાજખોરો વિરુદ્ધ મની લોન્ડરિંગ એકટ અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.