ડો.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય મોરબી ખાતે સામાજિક સમરસતા શિબિર યોજાઇ

મોરબી ખાતે ડો.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખ હંસાબેન પારેધી ના અધ્યક્ષસ્થાને ગત તારીખ 27ના રોજ જિલ્લા કક્ષાની સામાજિક સમરસતા શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત મોરબીના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન ચાવડા, તાલુકા પંચાયત મોરબીના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, સુખાભાઈ ડાંગર, વિવિધ સમાજના સામાજિક આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સમાજ સમાજ વચ્ચેના ઊંચ નીચના ભેદભાવો ભૂલી એક થવા, એકતા અને સંપ જાળવવા, દરેક સમાજ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તથા દેશનો દરેક વ્યક્તિ સન્માન અને ગૌરવપૂર્વક જીવન જીવી શકે તે માટે ખરા અર્થમાં સામાજિક સમરસતા સ્થાપિત કરવા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સરકારના વિવિધ વિભાગની કચેરીઓના અધિકારીઓ દ્વારા તેઓની કચેરી દ્વારા અમલીત વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન એ.એમ.છાસિયા, નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, મોરબી દ્વારા કરવામાં આવ્યું હતું.