ટંકારા પોલીસે લજાઈ ચોકડી નજીક ગોડાઉનમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું

ટંકારા તાલુકાના લજાઇ ચોકડી વિશ્વા પોલીપેક સામે નામ વગરના કારખાના (ગોડાઉન) માં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂપિયા તથા મોબાઈલ, કાર મળી કુલ રૂ.6,93,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

ટંકારા પોલીસ મથકના પીઆઈ કે.એમ.છાસીયાના માર્ગદર્શન અને સૂચના હેઠળ ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ. જસપાલસિંહ જાડેજા, તથા પો.કોન્સ કૃષ્ણરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, નરેશભાઇ ઇશ્વરભાઇ ચાપાણી (રહે. મોરબી રામકો બંગ્લોઝ પાછળ) વાળાએ લજાઇ ગામની સીમ લજાઇ ચોકડી પાસે આવેલ વિશ્વા પોલીપેક નામના કારખાના સામે નામ વગરનુ કારખાનુ (ગોડાઉન) ભાડેથી રાખી તે ગોડાઉન (કારખાનામાં) બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન જુગાર રમી રમાડી સાધન સગવડ પુરીપાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.

જે બાતમી આધારે ટંકારા પોલીસે રેઇડ કરતા જુગાર રમતા નરેશભાઇ ઈશ્વરભાઈ ચાપાણી (રહે. મોરબી લીલાપર રોડ, ગજાનંદ સોસાયટી), ધનજીભાઈ ગોરધનભાઈ બરાસરા (રહે. મોરબી એસ.પી. રોડ, દેવ એપાર્ટમેન્ટ ફલેટ), પ્રભુભાઇ નરભેરામભાઈ દેત્રોજા (રહે. મોરબી એસ.પી. રોડ, આદીત્ય એપાર્ટમેન્ટ), મહાદેવભાઇ નરશીભાઇ રંગપરીયા (રહે. ધુનડા (સજનપર), વાઘજીભાઇ બચુભાઇ રંગપરીયા (રહે. નવાગામ (લખધીરનગર), અમૃતભાઈ પીતામ્બરભાઈ જીવાણી (રહે. મોરબી બાયપાસ શીવ ધારા એપાર્ટમેન્ટ) એમ કુલ છ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ રોકડ રૂ.1,63,000 તથા મોબાઇલ ફોન નંગ.06 (કી.રૂ.30,000) તથા કાર કી.રૂ.5,00,00 મળી કુલ કી.રૂ.6,93,000નો મુદામાલ ટંકારા પોલીસે કબ્જે કર્યો હતો. તમામ જુગારી વિરૂદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.