સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમારના હસ્તે ભલગામ નજીક માનવ બૌદ્ધ વિહાર ખાતે બાબા સાહેબ આંબેડકરની પૂર્ણકદની પ્રતિમાનું અનાવરણ કરાયું
ભારતરત્ન બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ માનવ બૌદ્ધ વિહાર ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપભાઇ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.
વાકાંનેર તાલુકાના ભલગામ નજીક ચોટીલા-રાજકોટ હાઇવે, ૬૬ કે.વી. પાવર હાઉસની બાજુમાં આવેલ માનવ બૌદ્ધ વિહાર ખાતે ગત તા. ૧૨ એપ્રિલના યોજાયેલ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળ અનેક યોજનાઓ થકી ગરીબો, વંચિતો અને છેવાડાના માનવીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. મંત્રીએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા પણ આ તકે મંત્રીએ સૌ આગેવાનોને આગળ આવવા જણાવ્યું હતું.
આ પ્રસંગે કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાએ તમામ પ્રકારની મદદ અને સહયોગ આપવાની ખાતરી આપી હતી. શિક્ષણ સંકુલના નિર્માણ માટે થઇ રહેલા આયોજન માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે એક શામ બાબા ભીમ કે નામ કાર્યક્રમ અંતર્ગત જાણીતા ભીમ સાહિત્યકાર અને તેમની ટીમ દ્વારા ભીમ ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન માનવ બૌદ્ધ વિહાર, ચોટીલા તથા સમ્યક્ સિનિયર સિટીઝન ક્લબ, આંબાવાડી, અમદાવાદ અને બાબા સાહેબ આંબેડકર અનુસૂચિત જાતિ બાજ એન્જીનીયર્સ એસોસિએશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડા, ભંતેજી સારિપુત્ર, અનુસુચિત જાતિ મોરચોના પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રદ્યુમન વાજા, અગ્રણી સી.એન. અંબાલીયા,, માનવ બૌદ્ધ વિહાર પ્રમુખ અજીતભાઇ બેડવા, મુકેશભાઇ મકવાણા, ટી.ડી. પટેલ, રાજુભાઇ અઘેરા, કેસરીદેવસિંહજી ઝાલા ઉપરાંત વાકાંનેર પ્રાંત અધિકારી એચ.જી. શેરસીયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અતુલભાઇ છાસીયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપળીયા, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) એલ.વી. લાવડીયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.