વાંકાનેરના કોઠી ખાતે કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો; ૧૪૨ દર્દીઓનું સ્ક્રીનીંગ કરી ૯ ને વધુ સારવાર માટે રીફર કરાયા

ગત તા.૨૩/૦૪/૨૦૨૫ ના જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી વાંકાનેર તથા GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચાના અધ્યક્ષસ્થાને વિવિધ પ્રકારના કેન્સરના નિદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો.

આ પ્રસંગે સરોજબેન ડાંગરોચાએ પોતાનાં હકારાત્મક વિચારો રજૂ કરી લોકોને બહોળી માત્રામાં આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.

આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં નિષ્ણાંત કેન્સર રોગનાં ડોક્ટર દ્વારા ઓરલ કેન્સર માટે ૪૨, બ્રેસ્ટ કેન્સર માટે ૪૦ સર્વાઈકલ કેન્સર માટે ૧૯ તથા અન્ય ૪૧ મળી કુલ ૧૪૨ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનીંગમાંથી વધુ સારવાર માટે નાં ૯ દર્દીઓને રીફર કરવામાં આવ્યા હતા તથા સર્વાઈકલ કેન્સર અંગેના સેમ્પલ પણ કલેક્શન કરવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં આરોગ્ય શાખાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ, જિલ્લા IEC અધિકારી સંઘાણી, NCD DPC ડો.ગૌરવ બારોટ, તાલુકા હેલ્થ ઓફિસર વાંકાનેર ડો.શેરશીયા, મેડીકલ ઓફિસર ડો.સાહિસ્તા કડીવાર, વાંકાનેર તાલુકા સુપરવાઈઝર માથકીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠીના આરોગ્ય કર્મચારીઓએ આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.