સમગ્ર રાજ્યમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ૯૨.૯૧ ટકા સાથે મોરબી જિલ્લો સતત ત્રીજા વર્ષે પ્રથમ
સિરામિક ઉદ્યોગની દ્રષ્ટિએ વિશ્વમાં અગ્રેસર મોરબી જિલ્લો ઉદ્યોગ નગરીની સાથે હવે વિદ્યાનગરી બની રહ્યું છે. શિક્ષણક્ષેત્રે કરવામાં આવેલા અથાગ પ્રયાસો અને તનતોડ મહેનત થકી મોરબી જિલ્લો શિક્ષણમાં અવ્વલ બની રહ્યો છે. ત્યારે શિક્ષણના ક્ષેત્રે હેટ્રિક મારીને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ૯૨.૯૧ ટકા સાથે સતત ત્રીજા વર્ષે મોરબી જિલ્લાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.



શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં મોરબી જિલ્લાએ સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંક મેળવી રાજ્યકક્ષાએ મોરબીની ગરિમા વધારી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૩માં ૮૩.૨૨% અને વર્ષ ૨૦૨૪ માં ૯૨.૮૦ ટકા સાથે મોરબી જિલ્લો રાજ્યકક્ષાએ પ્રથમ રહ્યો છે.
કેન્દ્રવાર પરિણામની વાત કરીએ તો, મોરબી જિલ્લાના હળવદ કેન્દ્ર એ ૯૫.૦૮ ટકા, મોરબી કેન્દ્રએ ૯૨.૧૩ ટકા અને વાંકાનેર કેન્દ્રએ ૯૧.૮૧ ટકા મેળવ્યા છે. જિલ્લાના ૪૭ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા ૨૬૧ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ કર્યો છે.
મોરબી જિલ્લામાં વી.સી. હાઇસ્કુલ-મોરબી અને માળીયા, વાંકાનેર તથા હળવદ ખાતેની મોડેલ સ્કૂલ મળી ૪ સરકારી શાળાઓ, ૨ ગ્રાન્ટેડ શાળાઓ અને અન્ય ખાનગી શાળાઓ મળી કુલ ૩૮ શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કમલેશ મોતા અને જિલ્લા શિક્ષણ અધિકારીની સમગ્ર કચેરી તથા જિલ્લાના શિક્ષણવિદો દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાઓઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
