વાંકાનેર : લુહાણા મહાજન વાડી ખાતે રાશન વિક્રેતા વેલફેર એસોસિએશન વાંકાનેર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાજ્ય એસોસિએશનના પ્રમુખ રાકેશભાઈ શાહ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત વાંકાનેર એફપીએસ એસોસિએશન પ્રમુખ સિધ્ધરાજસિંહ ઝાલાએ ઉપસ્થિત રાજ્ય એસોસિયેશનના તમામ હોદ્દેદારોનું સ્વાગત કર્યું હતું. સ્નેહમિલન કાર્યક્રમમાં સસ્તા અનાજના દુકાનદારોને પડતી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી અને તેના નિકાલ બાબતે રાજ્ય એસોસિએશનના પ્રમુખ રાકેશભાઈ શાહ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
આ સિવાય સસ્તા અનાજના દુકાનદારોના વર્ષો જુના પડતર પ્રશ્નો જેવા કે કમિશનમાં વધારો કરવો , રિફંડ , પરવાનેદારના અવસાન બાદ પેન્ડિંગ વારસાઈની પ્રક્રિયા , અનાજમાં ઘટ તદુપરાંત જુના પાંચ સાત વર્ષથી ચાલતા દુકાનદારોના કેસો તમામ બાબતની છણાવટ કરી હતી અને દુકાનદાર વતીથી સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને લેખિતમાં રજૂઆત કરી છે. વિશેષમાં દુકાનદારને કમિશન 1 થી 5 તારીખમાં મળી જાય તે બાબતે રજૂઆત કરતા તેનો નિકાલ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રજૂઆતની એક કોપી પુરવઠા સચિવને પણ આપી છે. અંતમાં આભારવિધિ ગનીભાઇ પરાસરા દ્વારા કરવામાં આવી હતી. આ તકે સૌથી વયોવૃદ્ધ વાંકાનેરના પરવાનેદાર બળવંતભાઈ પાઠકનું હોદેદારોએ અદકેરું સન્માન કર્યું હતું.



