શ્રમિકોના આધારકાર્ડ સિવાય નાગરિકતા અને ઓળખ અંગે જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, મતદાર કાર્ડ સહિત જરૂરી પુરાવાઓની ચકાસણી ફરજિયાત
મોરબી જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમો /ખાનગી એકમો તથા અસંગઠિત /સંગઠિત શ્રમિકો /કામદારોને રોજગારી આપતી વખતે તેઓની નાગરિકતા વેરીફાઈ કરવા માટે જાહેરનામામાં સુધારો કરી સુધારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.





રાજ્યમાં અલગ-અલગ ઔદ્યોગિક એકમોમાં અને અન્ય ખાનગી એકમો તરફથી મોટી સંખ્યામાં અસંગઠિત શ્રમિકો /કામદારો રોજગારી માટે આવતા હોય છે. રોજગારી આપતી સંસ્થાઓ /એકમો /માલિકો તરફથી શ્રમિકો /કામદારોનો પૂર્વ ઇતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવા માટેની પ્રક્રિયા અપનાવવામાં આવતી નથી. જેના કારણે અસામાજિક તત્વો /ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓ અને ભારતીય નાગરિકતા નહીં ધરાવતી વ્યક્તિઓને રોજગારી આપી દેવામાં આવતી હોય છે જે દેશ અને રાજ્યની આંતરિક સુરક્ષા માટે યોગ્ય અને ઇચ્છનીય નથી.
મોરબી જિલ્લામાં નાના-મોટા ઔદ્યોગિક એકમો આવેલ છે તથા અન્ય બાંધકામના કામોમાં તેમજ હાલમાં ખેતીકામ માટે બહારથી અન્ય રાજ્યોમાંથી મજૂરો લાવી મજૂરી કામ કરાવવામાં આવતા હોય છે આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવા આવશ્યક જણાતા હોવાથી તમામ કારખાના /ઔદ્યોગિક એકમો /મકાનો વગેરેમાં કામ કરતા અથવા રહેતા તમામ પર પરપ્રાંતિય શ્રમિકો /કામદારોની નાગરિકતાની ખરાઈ કરવા ફક્ત આધારકાર્ડ ઉપર નિર્ભર નહીં રહેતા તમામ શ્રમિકો /કામદારોના પૂર્વ ઇતિહાસ, નાગરિકતા અને ઓળખ અંગે જરૂરી દસ્તાવેજ જેવા કે, જન્મ અંગેના પ્રમાણપત્ર, પાસપોર્ટ, મતદાર કાર્ડ કે અન્ય ભારતીય હોવા અંગેના માન્ય પુરાવાઓની ચકાસણી કર્યા બાદ જ તમામ સંસ્થા /એકમો /માલિકો તરફથી આવા શ્રમિકો /કામદારોને રોજગારી આપવામાં આવે તે ઇચ્છનીય અને જરૂરી જણાય છે.
જેથી મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ ઔદ્યોગિક એકમો /ખાનગી એકમો તથા સંસ્થાઓમાં સંગઠિત /અસંગઠિત શ્રમિકો /કામદારોને રોજગારી આપતી વખતે તેઓનો પૂર્વ ઇતિહાસ, નાગરિકતા અને ઓળખ અંગે સંબંધિત પોલીસ સ્ટેશને માહિતી સાથે યાદી રજૂ કરવા તથા વેરિફાઇ કરાવવા જાહેરનામામા સુધારા હુકમ કરવામાં આવ્યો છે. આ જાહેરનામાના પત્રક એ, બી, સી અને ડી ની તમામ વિગતો તેમજ અન્ય તમામ શરતો યથાવત રહેશે.
આ સુધારા હુકમમાંથી મોરબી જિલ્લામાં આવેલી સરકારી કચેરી /અર્ધસરકારી કચેરી/ બોર્ડ /નિગમ /સરકારી સંસ્થા તથા સરકારી ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાના અધિકારી કર્મચારીઓને મુક્તિ આપવામાં આવે છે.
