મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “પ્લાસ્ટિક મુક્ત ભારત” તેમજ “મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના ઉદ્દેશોને સિદ્ધ કરવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, પર્યાવરણની જાળવણી માટે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને મહાનુભાવોના હસ્તે કાપડની બેગનું વિતરણ કરાયું
મોરબીમાં કેસર બાગ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક મુક્ત ભારત તેમજ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.





વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્વયે મોરબીમાં મહાનગરપાલિકા તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંયુક્ત ઉપક્રમે “પ્લાસ્ટિક મુક્ત ભારત” તેમજ “મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન”ના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા યોગ નીદર્શન, નાટક સેલ્ફ ડિફેન્સના આયોજન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા.
આ પ્રસંગે મોરબી , માળિયાના ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે ત્યારે અહીં પર્યાવરણના જતનનું મહત્વ વધી જાય છે. તેમણે પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરવા તથા જ્યાં ત્યાં કચરો નહીં નાખવા પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે મોરબીને રળિયામણો અને ફરીથી સૌરાષ્ટનું પેરિસ બનાવવાના પ્રયાસોમાં સહભાગી બનવા જણાવ્યું હતું.
આ પ્રસંગે મોરબી મહાનગર પાલિકાના કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે એ જણાવ્યું હતું કે, આજના સમયમાં પર્યાવરણની વિભાવના વધુ વિસ્તૃત બની છે, ત્યારે પર્યાવરણના જતન માટે શક્ય તમામ પ્રયાસો કરવા પણ જણાવ્યું હતું. જ્યાં ત્યાં નાખવામાં આવતું પ્લાસ્ટિક પ્રાણીઓ ખાઈ છે ત્યારે તેમને તથા પર્યાવરણને પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે વાત કરી તેમણે સર્વને કાપડ અને કાગળની થેલીનો ઉપયોગ કરી સૌને સહકાર આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોગ ગીતના તાલ સાથે યોગા, સૂર્ય નમસ્કાર અને પ્રાણાયમ, આઓ યોગ કરેં, પાલસ્ટિક મુક્ત ભારત અન્વયે નાટક, અષ્ટાંગ યોગ, કરાટેથી સેલ્ફ ડિફેન્સ અને રાવણ હથ્થો સંગીત સહિત વિવિધ જન જાગૃતિના સંદેશ સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી સર્વે ઉપસ્થિત સૌ અચંબીત થઈ ગયા હતા.
આ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે પર્યાવરણના જતન માટે સૌને કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાબ્દીક સ્વાગત ડેપ્યુટી કમિશનરશ્રી સંજય સોનીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, પ્રદૂષણ બોર્ડના અધિકારી સોની, સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરા તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
