મોરબી જિલ્લામાં શિક્ષણનું સ્તર બનશે વધુ ઉજ્જવળ; જિલ્લાને મળ્યા ૩૩ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો

મોરબીમાં નવનિયુક્ત ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરાયા

શિક્ષકોને અધુરાસને મધુરાશમાં ફેરવી વર્ગ અને શાળાઓને નંદનવન બનાવવાની શીખ આપતા જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા

મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૩ જેટલા નવનીયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક અને શિક્ષકોને જિલ્લા શિક્ષણણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લામાં ૧૪ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ ૮૨ શિક્ષકોનું મંજૂર મહેકમ છે. જેમાંથી ૪૭ જગ્યાઓ અગાઉથી ભરાયેલી છે. જ્યારે સરકાર દ્વારા ખાલી ૩૫ જગ્યાઓની સામે મોરબી જિલ્લાને ૩૪ શિક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાંથી ૩૩ શિક્ષકો હાજર થતા આ શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આવકારવામાં આવ્યા હતા અને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

નિમણૂક પત્ર એનાયત કરવાના આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતાએ નવનિયુક્ત શિક્ષકોને સતત શીખતા રહેવાની અને અધુરાસને મધુરાશમાં ફેરવી વર્ગ અને શાળાઓને નંદનવન બનાવવાની શીખ આપી હતી. વર્ગ ૨ ના અધિકારીશ્રી ભદ્રસિંહ વાઘેલા, નિલેશભાઈ રાણીપા અને ભરતભાઈ વીડજાએ વિજ્ઞાન પ્રવાહની જેમ સામાન્ય પ્રવાહમાં પણ મોરબીને નંબર ૧ બનાવવા શક્ય તમામ પ્રયત્નો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. નવનિયુક્ત શિક્ષક દીપ પટેલ અને હીનાબેન કોડિયાએ આ પ્રસંગે તેમના પ્રતિભાવ આપ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ અંબારિયાએ કર્યું હતું.