લઘુ ઉદ્યોગ ભારતીના મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરાઈ

ઉદ્યોગ હિત અને રાષ્ટ્ર નિર્માણમાં આર્થિક મજબૂતી વધે તેમજ યુવાનો આત્મનિર્ભર બને, નાગરિકો સ્વદેશી બને તથા રોજગાર વધે તેવા ઉમદા હેતુથી કાર્ય કરતા ભારતના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન લઘુ ઉદ્યોગ ભારતીની મોરબીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. જિલ્લા પ્રમુખ પદે દિનેશભાઈ હરિપરા, જિલ્લાના મહામંત્રી તરીકે ઉત્તમભાઈ ત્રાસડીયા, જિલ્લાના ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ સરડવા, ખજાનચી તરીકે હસમુખભાઈ હાલપરા અને સહમંત્રી તરીકે દિવ્યેશભાઈ એરણિયાની નિયુક્તિ કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સંવાદ કરતા સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રીશ્રી જયભાઈ માવાણીએ લઘુ ઉદ્યોગ ભારતીનો પ્રાથમિક પરિચય, કાર્યો અને સિદ્ધિઓ થી ઉપસ્થિત સૌને પરિચિત કરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના હોદ્દેદારોના નામની જાહેરાત લઘુ ઉદ્યોગ ભારતીના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખશ્રી દિનેશભાઈ ડાંગરિયા દ્વારા કરવામાં આવી હતી. વિશેષ ઉપસ્થિત મા મીલનભાઈ પૈડા – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જીલ્લા કાર્યવાહ. અતિથી વિશેષ તરીકે સિરામિક એસોસિયેશન ના વોલ ડિવિઝન ના પ્રમુખશ્રી હરેશભાઈ બોપલીયાએ તથા પેપરમિલ એસોસિયેશનના પ્રમુખ શૈલેષભાઈ દેત્રોજા એ મોરબીના ઉદ્યોગોના વિકાસ, રોજગાર, સમસ્યા તથા ભાવિ સમાધાન અંગે રજૂઆત કરી હતી.

ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ હરીપરાએ આગામી સમયમાં મોરબી જિલ્લામાં કરવા પાત્ર કાર્યો અંગે માહિતી આપી હતી તથા લઘુ ઉદ્યોગ ભારતીની કાર્ય પદ્ધતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતીના મોરબી જિલ્લાના સદસ્યો, સંસ્થાના અન્ય અધિકારી ગણ તથા વરિષ્ઠ સદસ્યો હાજર રહ્યા હતા.