ટંકારા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાઈબર સેફ્ટી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો  

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત સરદાર પટેલ વિદ્યાલય, ટંકારા ખાતે સાઈબર સેફ્ટી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

દીકરીઓને માત્ર શિક્ષિત નહીં પરંતુ જાગૃત અને સુરક્ષિત નાગરિક બનાવવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ટંકારા સીટી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલશ્રી દ્વારા સાઈબર સેફ્ટી અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં સોશિયલ મિડિયા, ઓનલાઈન ફ્રોડ અને ડિજિટલ દુનિયામાં સાવચેતી કઈ રીતે રાખવી વગેરે મુદ્દાઓ પર વિધાર્થીનીઓને સરળ અને સ્પષ્ટ ભાષામાં માહિતગાર કરવામાં આવ્યા હતા.

ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડિનેટરશ્રી મયુરભાઈ સોલંકી દ્વારા મહિલાલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી અને દરેક દીકરીઓ સુરક્ષિત, સુશિક્ષિત અને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષણગણ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં સહભાગી બન્યા હતા.