મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે મંત્રીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

મોરબીઃ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે મોરબી જિલ્લાના પાણી, રસ્તા, નર્મદા કેનાલ સહિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

        આ બેઠકમાં મંત્રીએ જિલ્લાના વિવિધ ગામના સરપંચશ્રીઓ પાસેથી જે તે ગામના રસ્તા, પાણી, કેનાલ જેવા પ્રશ્નો સાંભળી આ પ્રશ્નોના નિકાલ માટે સબંધિત વિભાગના અધિકારીઓને સમયમર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ થાય અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ મુશ્કેલી ન પડે તેવું આયોજન હાથ ધરવા સુચના આપી હતી.

        મંત્રીએ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ જિલ્લાના કોઇપણ ગામમાં પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય અને પાણી સરળતાથી મળી રહે તેવું આગોતરૂ આયોજન હાથ ધરવા પણ પાણી પુરવઠા વિભાગ, વાસ્મો, નર્મદા વિભાગના અધિકારોઓને તાકીદ કરી હતી.

        તેમણે ખરેડા રોડ, ઝીકીયારી રોડ સહિત વિવિધ રોડના પ્રશ્નોના નિરાકરણ અંગે પણ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સુચના આપી હતી., મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં તળાવ ઉંડા કરવાની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.

        આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, પાણી પુરવઠા વિભાગ, વાસ્મો, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા વિભાગના અધિકારીઓ સહિત વિવિધ ગામના સરપંચઓ ઉપસ્થિત રહયા હતાં.