મોટાભાગના માર્ગો ઉપર ઉભા રહીને યંગ ઇન્ડિયા ગ્રુપના કાર્યકરોએ સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ લોકોમાં રાષ્ટ્રભક્તિ જાગૃત કરી
મોરબી : મોરબીમાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર્ય પર્વ પર હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઠેરઠેર તિરંગાનું વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓથી લોકોમાં દેશદાઝની ભાવના જાગૃત કરવામાં આવી રહી છે. ત્યારે ક્રાંતિકારી વિચારોને વરેલું અને દેશસેવા માટે સમર્પિત મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયને લોકોમાં દેશપ્રેમ જાગૃત કરીને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે 15 ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની આજે પૂર્વ સંધ્યાએ મોટાભાગના માર્ગો સહિત શહેરના ખૂણે ખૂણે ફરીને લોકોના હૃદયસ્થાન જ્યાં હોય તે શર્ટના ખિસ્સા પર ગૌરવરૂપ રાષ્ટ્રચિન્હ લગાવીને દેશના એક આદર્શ નાગરિક બનીને રાષ્ટ્ર પ્રત્યેની તમામ ફરજો નિભાવવાનો સંદેશ આપ્યો હતો.





મોરબીમાં અનેકવિધ સકારાત્મક પ્રવૃત્તિઓ થકી બારેમાસ દેશભાવનાને ઉજાગર કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા લોકોમાં દેશપ્રેમ વધુ કેળવાય એ રીતે સ્વાધીનતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દર વર્ષની જેમ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની આજે પૂર્વ સંધ્યાએ શહેરભરમાં ફરી ફરીને તમામ નાગરિકોને રાષ્ટ્રચિન્હ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને યંગ ઇન્ડિયા ગ્રુપના દરેક કાર્યકરોએ શહેરના મુખ્ય માર્ગો, તમામ બજાર વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક વિસ્તારો અને જાહેર સ્થળો સહિત શહેરના ખૂણે ખૂણે જઈને નાગરિકોને તિરંગા ચિહ્ન લગાવ્યા હતા.
યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક ડૉ. દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે — “તિરંગો માત્ર ધ્વજ નથી, તે આપણા પૂર્વજોના બલિદાન, શૌર્ય અને અખંડ એકતાનું જીવંત પ્રતિક છે. પ્રત્યેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્રભક્તિની જ્યોત સદાય પ્રગટતી રહે તે માટે આવા અભિયાન અત્યંત આવશ્યક છે. માતૃભૂમિ પ્રત્યે અખંડ શ્રદ્ધા અને અપરંપાર દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા સ્વાતંત્ર્ય દિવસના પાવન પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા રાષ્ટ્રપ્રેમ દર્શાવવાનું અભિયાન યોજાયું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત નાગરિકોને રાષ્ટ્રચિહ્નનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની દેશસેવાની પ્રતિજ્ઞા લીધી હતી અને શહેરભરમાં દેશપ્રેમના નાદ ગુંજાવી આ દિવસને સાચા અર્થમાં રાષ્ટ્રીય ગૌરવનો ઉત્સવ બનાવી દીધો હતો.
